Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જામનગર જિલ્લામાં કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

૨૩ થી ૨૫ દરમિયાન ૮૬૬૩ બાળકોને શાળામાં તથા ૬૩૫૦ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાશે

જામનગર તા. ૨૨:   આગામી તા.૨૩ થી ૨૫મી જૂન દરમિયાન રાજયમાં યોજાનાર ત્રિદિવસીય કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ ૨૦૨૨-૨૩ અંતર્ગત ગાંધીનગરથી મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે કાર્યક્રમમાં સહભાગી તમામને બાયસેગથી માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે ,ત્રિદિવસીય કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવમાં બાળકોને શાળા પ્રવેશ, નામાંકન, શિક્ષણની ગુણવત્તા અને સ્‍કુલ મોનીટરીંગ કમિટીના સભ્‍યોની મીટીંગ વગેરેમાં જોડાઈ ત્‍યાંની ગુણવત્તા અને ઉપલબ્‍ધિઓથી માહિતગાર થઇ શિક્ષણમાં થયેલા નોંધનીય પરિવર્તનની સાથે આપ સૌ શિક્ષણની જરૂરિયાતો અને તે અંગેના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડો તે ઇચ્‍છનિય છે. સરકાર બાળકોના શિક્ષણ સાથે તેમની જરૂરિયાતથી માહિતગાર થઇ તેને યોગ્‍ય કરવા જરૂરી પગલાં ભરશે. મુખ્‍યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં ગુજરાતમાં શિક્ષણના કાર્યો અને નવા આયામો, પ્રકલ્‍પો સિદ્ધ કરવા આ તકે સૌને અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને  તેમજ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ મુખ્‍ય સચિવ પંકજકુમાર, શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ સહિતના મહાનુભાવોની ગાંધીનગર સ્‍થિત શાળા પ્રવેશોત્‍સવ અંગેની બ્રીફીંગ મિટિંગમાં કલેકટરશ્રી તેમજ  જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના પદાધિકારીઓ સહિતના અધિકારીઓ બાયસેગ માધ્‍યમથી જોડાયા હતા.અધિકારીશ્રીઓ તથા પદાધિકારીઓએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્‍સવ અભિયાન અંગે માર્ગદર્શન મેળવ્‍યું હતું.

જિલ્લાકક્ષાએ પણ કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીના અધ્‍યક્ષ સ્‍થાને કલેક્‍ટર કચેરી ખાતે આ કાર્યક્રમના આયોજન અને સંકલન અંગેની બેઠક યોજાઇ હતી.જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી હડીયાએ જામનગર જિલ્લામાં યોજાનાર કાર્યક્રમની વિગતો પૂરી પાડતા જણાવ્‍યું હતું કે, જામનગરમાં ગ્રામ્‍ય અને શહેરની ૭૧૩ શાળાઓમાં ૨૩ થી ૨૫મી જૂન સુધી દિવસના ત્રણ તબક્કામાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમ યોજાશે. પાંચ તાલુકામાં કુલ ૪,૩૭૯ કુમાર અને ૪,૨૮૪ કન્‍યા થઈ કુલ ૮,૬૬૩ બાળકોને પહેલા ધોરણમાં શાળા પ્રવેશ અપાશે તેમજ ૩,૧૫૮ કુમાર અને ૩,૧૯૨ કન્‍યા થઈને કુલ ૬૩૫૦ બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાશે.રાજયકક્ષાના ત્રિદિવસીય ઉત્‍સવમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ તા.૨૩ જુન ના રોજ લતીપુર તાલુકા શાળા, તા.૨૪ જુન ના રોજ લક્ષ્મીપરા તાલુકા શાળા, તેમજ તા.૨૫ જુન ના રોજ ધુંવાવ તાલુકા શાળા, ધુંવાવ કન્‍યા શાળા તેમજ ધુંવાવ વાડી શાળા ખાતે હાજરી આપશે. જયારે રાજયમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા તા. ૨૩ જુનના રોજ પીઠડ તાલુકા શાળા, બોડકા પ્રા.શાળા તેમજ જીરાગઢ પ્રા.શાળા ખાતે ઉપસ્‍થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.    

આ બેઠકમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેન લખધીરસિંહ જાડેજા, પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર એમ.પી. પંડ્‍યા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા સંકલન સમિતીના તમામ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:22 pm IST)