Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

મુન્દ્રા કસ્ટોડિયન ડેથ મામલે પીઆઈ સહિત ૬ પોલીસકર્મી સસ્પેન્ડ

ભાજપ, કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોની મુખ્યમંત્રીને રજૂઆત બાદ સરકાર હરકતમાં, પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘનો સપાટો, આ અગાઉ તા.પં.ના મહિલા સદસ્યાએ પણ મુન્દ્રા પોલીસની બેદરકારીના કારણે આપઘાત કર્યો હતો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: મુન્દ્રાના સ્માઘોઘા ગામના અરજણ ગઢવી નામના યુવાનને ચોરીના આરોપસર ઉઠાવ્યા બાદ મુન્દ્રા પોલીસ દ્વારા કસ્ટડીમાં બેરહમીથી ત્રાસ ગુજારવામાં આવતાં આ યુવાનનું મોત નિપજયું હતું. આ મામલે કચ્છ ગઢવી ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવી અને સમસ્ત સમાજ દ્વારા ભારે આક્રોશ સાથે આકરો વિરોધ કરાયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસે એફઆઇઆર નોંધ્યા બાદ મૃતક યુવાનનો મૃતદેહ સ્વીકારી અગ્નિસંસ્કાર કરાયા હતા. દરમ્યાન આ મામલે પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંદ્ય દ્વારા મુન્દ્રા પીઆઈ જે.એ. પઢીયારને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. તેમની સાથે અત્યાચાર ગુજારનારા આરોપી એવા પોલીસકર્મીઓ શકિતસિંહ ગોહિલ, જયદેવસિંહ ઝાલા, અશોક કન્નડ ને સસ્પેન્ડ કરાયા છે. તો, અગાઉ દારૂ પાર્ટીનો ફોટો વાયરલ થતાં તે પ્રકરણ સંદર્ભે પુષ્પરાજસિંહ ચુડાસમા અને દિગ્વિજયસિંહ ગોહિલને સસ્પેન્ડ કરાયા છે. આમ, એક સાથે છ છ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાતા કચ્છના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

દરમ્યાન મુન્દ્રા પોલીસની બેદરકારીના કારણે ૬ મહિના અગાઉ તા.પ. સદસ્યા નીતાબેન રાજગોરે આપદ્યાત કર્યો હતો. કોરોના સમયે કવોરેન્ટાઈન કરાયા બાદ પાડોશીઓ દ્વારા ત્રાસ અપાતો હોઈ નીતાબેન રાજગોર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. પણ, આ કિસ્સામાં પોલીસે ફરિયાદી નીતાબેન સામે જ દાદાગીરી કરતાં તેમણે આપદ્યાત કર્યો હતો. આ કિસ્સામાં આ જ પોલીસકર્મીઓ સંડોવાયા હોવાની ચર્ચા છે. આ સંદર્ભે ફરિયાદ પણ જૂનો વીડિયો પણ વાયરલ થયો છે. બીજા કિસ્સામાં ઇબ્રાહિમ સિદ્દીક પઠાણ નામના યુવાન મજૂરને પણ મુન્દ્રા પોલીસ કર્મીઓએ માર મારતાં તેની પત્નીએ એસપીને ફરિયાદ કરી હતી.

અરજણ ગઢવીના કસ્ટોડિયન ડેથ બાદ મુન્દ્રા પોલીસ કર્મીઓની દાદાગીરી અંગે કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે મુન્દ્રાના ગઢવી યુવાનના કસ્ટોડિયન મોત મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડીજીપી આશિષ ભાટીયાને ટ્વીટ કરીને જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી હતી.

(3:33 pm IST)
  • હવે ઇંગ્લેન્ડમાં આશરો માગશે ભાગેડુ વિજય માલ્યા : ભારતમાંથી નાસી છુટેલ ઉદ્યોગપતિ, કિંગફિશરના વિજય માલ્યા ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં શરણું માગવા અરજી કરશે તેવું જાણવા મળે છે access_time 12:54 pm IST

  • ધો.૯ અને ૧૧ના વર્ગો શરૂ થઈ શકે છે : ભુપેન્દ્રસિંહજીએ આપ્યા સંકેત : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં ધો.૯ અને ૧૧ના વર્ગો પણ શરૂ થઈ શકે છે : હાલ ધો. ૧૦ અને ૧૨ની શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ છે અને શાળાઓ હાલ નોર્મલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે : આ અંગે ૨૭મીએ ચર્ચા - વિચારણા કરવામાં આવશે access_time 12:17 pm IST

  • યુવાઓને વધુને વધુ ટિકીટ આપવામાં આવશે : સી.આર. પાટીલ : ભાજપમાં યુવાઓને વધુ ટીકીટ અપાશે તેવા સંકેત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યો છે : ૫૫થી વધુ ઉંમરના લોકો ટીકીટ ન માંગે તેમ જણાવી ટીકીટ માટે તૈયારીઓ કરી રહેલા સીનીયર કાર્યકર્તાઓને સંકેત આપ્યો હતો access_time 12:52 pm IST