Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ઉપલેટા ચેમ્‍બર્સ ઓફ કોમર્સની વેસ્‍ટર્ન રેલ્‍વે જનરલ મેનેજર સાથે મીટીંગ સફળ

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૨૩: ચેમ્‍બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘે૨વડા અખબારી યાદીમાં જણાવે છે કે, વાંસજાળિયા - જેતલસર મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયા આજે ૧૦ થી ૧૨ વર્ષનો સમય પસાર થયો પણ આ વિસ્‍તારના લોકોને જે મીટ૨ગેજમાં સવલત હતી તે બ્રોડગેજમાં સવલત મળેલ નથી.

અનેકવાર લેખિત રજૂઆત કરેલ પણ કોઈ પરિણામ મળેલ નહિ ત્‍યારે તા. ૨૧-૧-૨૦૨૩ ને શનિવારના રોજ પશ્‍ચિમ વિભાગ ૨ેલ્‍વેના જનરલ મેનેજર અરૂણકુમાર શર્મા જેતલસર મુકામે વિઝીટમાં આવેલ ત્‍યારે આ વિસ્‍તારના પ્રશ્‍ન માટે તેમની સાથે રૂબરૂ ચેમ્‍બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિ મળેલ, સાત પ્રશ્‍ન તેમને કરેલ તેમાંથી ત્રણ પ્રશ્‍ન માટે તેમને ખાત્રી આપેલ તેમાં રાજકોટ - પો૨બંદ૨ લોકલ ટ્રેન શરૂ ક૨વાની વાંસજાળિયા - જેતલસર મુખ્‍ય આવતા સ્‍ટેશનોમાં જામજોધપુર, ઉપલેટા, ધોરાજીના પ્‍લેટફોર્મની લંબાઈ વધારવાની, લાંબા અંતરની ટ્રેન પ્‍લેટફોર્મની બહાર નિકળી જાય છે, મુસાફરોને ચઢવા - ઉતરવા માટે તકલીફ પડે છે. ભાવનગર - જેતલસર જે ટ્રેન ચાલુ થયેલ છે તેને પોરબંદર સુધી લંબાવવાની રજૂઆત કરેલ આ પ્રશ્‍નને તાત્‍કાલિક ૩ થી ૪ માસમાં પૂર્ણ થશે તેવી ખાત્રી આપેલ. લાંબા અંતરની ટ્રેનની રજૂઆતમાં પોરબંદર - વાપી ટ્રેન આપણે માંગેલ પણ પ્‍લેટફોર્મનું કામ પૂર્ણ થયા બાદ આ પ્રશ્‍નને યોગ્‍ય વાચા આપીને ટ્રેન ફાળવવામાં આવશે. મેનેજર સાહેબનું કહેવું એમ થયું કે, મુસાફરોની સલામતી પહેલી અગ્રતા છે, ટ્રેન તો મળશે પણ મુસાફરોની સલામતી માટે પ્‍લેટફોર્મ લંબાવવા જરૂરી છે. આ મીટીંગથી લોકોને રેલ્‍વે સુવિધા અપાવવામાં ચેમ્‍બર્સ ઓફ કોમર્સને સફળતા મળેલ છે.

(12:02 pm IST)