Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમરેલીના અમરાપુરમાં વિર જવાન મનીષભાઇ મહેતાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

અંતિમયાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો ઉમટયા : શ્રધ્‍ધાંજલી અર્પણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૩ : અમરેલી જિલ્લાના સપૂત બોર્ડર પર દેશની સેવા કરતા કરતા વીર ગતિને પામ્‍યા બાદ તેમના વતન અમરેલી ખાતે મેના પાર્થિવ શરીરને લવાતા અમરેલીના લોકોએ અભૂતપૂર્વ અંજલી આપી હતી અને અંતિમયાત્રામાં ૧૫ હજાર જેટલા લોકોનો મહેરામણ ઉમટી પડયો હતો. સંપૂર્ણ રાજકીય સમ્‍માન સાથે વીર જવાનનું પાર્થિવ શરીર પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયું છે.

મૂળ અમરેલી જિલ્લાના અમરાપુર ગામના વતની અને હાલમાં અમરેલી રહેતા વિપ્ર મનીષભાઇ ગુણવંતભાઇ મહેતા ૧૬ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. દેશની રક્ષા કરતા કરતા ચાલુ ફરજ દરમિયાન તેમણે પ્રાણ ત્‍યાગ કર્યા બાદ આજે તેમના પાર્થિવદેહને તેમના વતન અમરેલી ખાતે લાવવામાં આવ્‍યો હતો. અમદાવાદ સુધી હવાઇમાર્ગ અને ત્‍યાંથી સડક માર્ગે અમરેલી પહોંચ્‍યા હતા. જેમાં ઇશ્વરીયા ગામથી અમરેલી સુધી યુવાનો દ્વારા તિરંગાયાત્રા સાથે પાર્થિવદેહને અમરેલી સુધી લવાયો હતો. હનુમાનપરામાં તેમના નિવાસસ્‍થાને અંતિમ દર્શન બાદ આર્મીની ગાડીમાં તિરંગામાં લપેટીને જવાનના પાર્થિવ શરીરને અંતિમ સંસ્‍કાર માટે લઇ જવામાં આવ્‍યું હતું. આ અંતિમયાત્રામાં અમરેલી તેમજ આસપાસના વિસ્‍તારમાંથી ૧૫ હજાર કરતા પણ વધારે લોકો ઉમટી પડયા હતા અને અભૂતપૂર્વ અંજલી આપવામાં આવી હતી. દેશભકિતના ગીતો સાથે નીકળેલી તેમના અંતિમયાત્રામાં માર્ગો ઉપર દુર દુર સુધી કીડીયારાની જેમ લોકો ઉમટી પડયા હતા. લાઠી રોડ બાયપાસ પર આવેલા કૈલાસ મુકિતધામ ખાતે સંપૂર્ણ સમ્‍માન ખાતે તેમને અંતિમ સંસ્‍કાર અપાયા હતા.

આર્મી દ્વારા ગાર્ડ ઓફ ઓનર

અમરેલીના વીર શહીદ જવાનના પાર્થિવ શરીરને કૈલાસ મુકિતધામ ખાતે લવાયા બાદ આર્મીના જવાનો દ્વારા અંતિમ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને ત્‍યારબાદ અંતિમ સંસ્‍કાર આપવામાં આવ્‍યા હતા. એ સમયે અનેક આંખો રડી પડી હતી.

રાજકીય નેતાઓની

ભાવપૂર્ણ અંજલી

અમરેલીના શહીદ જવાનની અંતિમયાત્રામાં ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક કૌશિક વેકરીયા, અશ્વિન સાવલીયા, ઇન્‍દ્રનીલ રાજયગુરૂ સહિત શહેર અને જિલ્લાના વિવિધ રાજકીય આગેવાનોએ પાર્થિવ દેહને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.

બે સંતાનોએ પિતાની છત્રાછાયા ગુમાવી

દેશની સેવા કાજે શહીદ થયેલા વીર જવાન મનીષભાઇ મહેતાને સંતાનમાં એક ૬ વર્ષ અને બીજો દોઢ વર્ષનો પુત્ર છે. આ બંને સંતાનોએ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

(1:33 pm IST)