Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જામનગરનાં લતીપુરમાં માથાના દુઃખાવારૂપ વિજ પ્રશ્નનું નિરાકરણ લાવવા રાઘવજીભાઇ પટેલની રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.ર૩ : ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે રાજયના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલને રૂબરૂ મળીને લતીપુરના વિજપ્રશ્નનો ઉકેલ લાવવા માંગણી કરી છે.

રાઘવજીભાઇ પટેલે વધુમાં જણાવ્યું છે કે, જામનગર જીલ્લાનું ૬૬ કે.વી.લતીપુર સબ સ્ટેશનમાંથી નીકળતા ૧૧ કેવી લતીપુર જે.જી.વાય ફીડર ઉપર હાલમાં કુલ ત્રણ મોટા ગામ તથા લતીપુર ગામના સાત પેટાપરા ઉપર જોડાયેલ છે. વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટા ભૌગોલીક વિસ્તાર આ  ફીડર હેઠળ આવેલ છે. આ ફીડર ઉપર ૧૮૦૩ કેવીએ લોડ અને ૨૭ ટીસી જોડાયેલ છે. આથી ફોલ્ટ અને મેઇન્ટેનન્સ કામગીરી વખતે જયારે ફીડર બંધ કરવાનુ થાય છે. ત્યારે ખૂબ મોટા વિસ્તાર એક સાથે બંધ થાય છે અને ગ્રાહકોની ફરિયાદનું પ્રમાણ વધે છે.

તે માટે લતીપુર વિસ્તારના આગેવાનો દ્વારા ૧૧ કેવી લતીપુર જયોતીગ્રામ ફિડરના  બાયફરગેશન કરી લોડનું બે ફીડરમાં વિભાજન કરવા માંગણી છે.

હાલમાં ખેતીવાડી અને જયોતીગ્રામ બંને ફીડરના બાયફરગેશન માટે એક સરખો જ માપદંડ રાખ્યો છે જે અન્વયે ૧૫૦ એમ્પાયર લોડ અથવા ૯% વોલ્ટેજ રેગ્યુલેશન હોય તો જ ફીડર બાયફરગેશન કરવામાં આવે છે. જેથી લતીપુર સબ સ્ટેશનનું બાયફરગેશન કરવા માંગણી કરેલ છે.

(11:37 am IST)