Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ

ધો. ૧માં ૧૭,૪૧૩ બાળકોનું નામાંકન કરાશે

(માહિતી બ્‍યુરો) સુરેન્‍દ્રનગર,તા. ૨૩ : ગુજરાત સરકાર દ્વારા આજથી આગામી ત્રણ દિવસ એટલે કે ૨૩, ૨૪ અને ૨૫ જૂનથી ૧૭માં કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ અભિયાનની શરુઆત કરવામાં આવશે. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. જે શ્રેણીમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ તા. ૨૩, ૨૪  અને ૨૫ જુનનાં રોજ જિલ્લાની ૮૫૧ શાળાઓમાં કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તા. ૨૪ જૂનનાં રોજ વઢવાણ તાલુકાની વાડલા, કોઠારિયા અને દેદાદરા ગામની તેમજ  તા. ૨૫ જૂનનાં રોજ લખતર તાલુકાની તલસાણા, ભડવાણા તથા લખતર જુગતરામ દવે પે સેન્‍ટર શાળાની મુલાકાત લઇ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં સહભાગી થશે. આ ઉપરાંત, જિલ્લા પ્રભારીમંત્રી અને પશુપાલન રાજય મંત્રીશ્રી દેવાભાઈ માલમ તા. ૨૪ જૂનનાં રોજ ચોટીલા તાલુકાની મોટી મોલડી -પે સેન્‍ટર ઠાગેશ્વર, પીપળીયા(ઘા), ઝીંઝુડા પે સેન્‍ટર શાળાની મુલાકાત લઈ બાળકોને શાળા પ્રવેશ કરાવશે.  ૩૫ પદાધિકારીશ્રીઓ અને ૬૬ અધિકારીશ્રી મળીને ૧૦૧ મહાનુભાવો શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં જોડાશે.

કાર્યક્રમમાં સહભાગી થનાર દરેક પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીને પ્રત્‍યેક દિવસે એક ક્‍લસ્‍ટર ફાળવવામાં આવ્‍યું છે, જે અંતર્ગત તેઓ ત્રણ શાળાઓની મુલાકાત લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે શાળા પ્રવેશોત્‍સવ- ૨૦૨૨ અંતર્ગત ધોરણ-૧માં ૯૦૧૬ કુમાર અને ૮૩૯૭ કન્‍યા મળી કુલ ૧૭,૪૧૩ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં વઢવાણ તાલુકાના ૨૩૨૭, લીંબડી તાલુકાના ૧૭૧૯, ચુડા તાલુકાના ૧૧૦૩, મુળી તાલુકાના ૧૪૫૦, સાયલા તાલુકાના ૨૨૪૮, ચોટીલા તાલુકાના ૧૮૪૧, થાનગઢ તાલુકાના ૧૨૩૩, ધ્રાંગધ્રા તાલુકાના ૨૨૦૫, લખતર તાલુકાના ૯૯૪ અને પાટડી તાલુકાના ૨૨૯૩ બાળકોનો સમાવેશ થાય છે.  પ્રવેશોત્‍સવની આ મેગા એક્‍સરસાઈઝમાં જિલ્લાના ૫૮૦૫ શિક્ષકો સહભાગી થશે.  

દરેક શાળામાં પ્રવેશોત્‍સવ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે જ શાળામાં એસ.એમ.સી. (સ્‍કુલ મોનિટરીંગ કમિટી) ના સભ્‍યોની હાજરીમાં જે- તે શાળાના મુખ્‍ય શિક્ષક દ્વારા શાળાનો અહેવાલ રજુ કરવામાં આવશે. તે ઉપરાંત અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી દ્વારા શાળાનાં એસ.એમ.સી સભ્‍યો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. 

(12:04 pm IST)