Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડના કર્મચારીઓનું સરકાર સામે આંદોલન

વાંકાનેરમાં ત્રણ દિ' કાળી પટ્ટી બાંધશે : ગારીયાધારમાં ૩ દિ' ઉપવાસ : અમરેલી જીલ્લાના ૧૧ યાર્ડમાં લડત

 

વાંકાનેર : વાંકાનેર : માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી આંદોલનનો પ્રારંભ કર્યો જે તસ્વીરમાં નજરે પડે છે. (નિલેશ ચંદારાણા-વાંકાનેર)

અમરેલી યાર્ડના કર્મચારીઓની તસ્વીર

રાજકોટ, તા. ર૩ : રાજય સરકાર દ્વારા નવા ખેત બજાર સુધારાના વટહુકમથી માર્કેટ યાર્ડના કર્મચારીઓમાં વિરોધ જાગ્યો છે અને કર્મચારીઓ સામે થયા છે અને આંદોલનનો પ્રારંભ કર્યો છે જે અહેવાલો મળી રહ્યા છે.

અમરેલી

અમરેલી : ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા ગુજરાત સરકારશ્રી દ્વારા તા. ૬-પ-ર૦ર૦ના રોજ બહાર પાડવામાં આવે ખેત બજાર ધારા સુધારા વટહુકમ-ર૦ર૦માં ર૬ જેટલા મહત્વના સુધારાઓ કરવામાં આવેલ જેમાં બજાર સમિતિના સત્તા સીમિત કરી માત્ર બજાર ચોગાન પૂરતી મર્યાદીત કરવામાં આવેલ છે અને તેની પ્રતિકુળ અસર બજાર સમિતિની આવક ઉપર થવા પામેલ છે. બજાર સમિતિએ ખેડૂતોના હિતનું રક્ષણ કરતી સંસ્થા છે. બજાર વિસ્તારમાં ખેડૂતોને પોતાના ખેતીનું ઉત્પન્ન ઘર બેઠા વેચવામાં કોઇપણ સમસ્યા કે છેતરપીંડી થાય તો ખેડૂતોની ફરીયાદ સાંભળી તેનું યોગ્ય નિકારણ લાવી ખેડૂતોના હિતનું રક્ષણ કરવાનું કામ બજાર સમિતિ દ્વારા કરવામાં આવતું અને ખેત ઉત્પન્ન ઉપર ખરીદનાર પાસેથી માર્કેટ ફી વસુલ કરી તે રકમમાંથી બજાર સમિતિના કર્મચારીઓનો પગાર તેમજ ખેડૂતોના હીત માટેની યોજનાઓમાં આ રકમ વાપરવામાં આવતી હતી જે સત્તા બજાર સમિતિ પાસેથી આ વટહુકમથી છીનવી લેવામાં આવી છે. જેથી બજાર સીમતિને ખૂબ ખોટું આર્થિક નુકશાન થવાનું છે.

રાજયની રર૬ જેટલી બજાર સમિતિઓમાંથી આ વટહુકમના લીધે ૪૦ જેટલી બજાર સમિતિઓને અત્યારથી તાળા મારી દેવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે અને બાકીની મોટા ભાગની બજાર સીમતિઓ આવનારા ૩ થી ૪ વર્ષમાં બંધ થઇ જવાની સંભાવના છે. જેથી રાજયની બજાર સમિતિઓના ૩૯૮૮ કર્મચારીઓના પરિવારોના ભરણપોષણ ઉપર મોટું સંકટ ઉભુ થવા પમેલ છે. જેને ધ્યાને લઇને ગુજરાત બજાર સમિતિકર્મચારી સંઘ દ્વારા મુખ્યમંત્રીશ્રી તેમજ વડાપ્રધાનશ્રીને પત્ર લખી કર્મચારીઓના હીત યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવેલ. પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતા રાજય વ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો એક કાર્યક્રમ કર્મચારી સંઘના હોદેદારો દ્વારા નક્કી કરવામાં આવેલ.

હાલ વાવેતરની સીઝનમાં ખેડૂતોની ખાતર દવા બિયારણ વગેરેની જરૂરીયાત હોય અને તેઓ પોતાનો માલ વેચવા બજાર સમિતિમાં આવતા હોય ત્યારે તેઓને કોઇ અગવડતા ન ભોગવવી પડે તે રીતે વિરોધ પ્રદર્શીત કરવા માટે કર્મચારીઓને કાળી પટ્ટી બાંધી કામગીરી કરવી જેથી રાજય સરકારશ્રીનું ધ્યાન દોરવા માટેનો આ પ્રયાસ કરવામાં આવેલ છે જે ૩ દિવસ ચાલશે.

જેમાં અમરેલી જિલ્લાની ૧૧ બજાર સમિતિઓના કર્મચારીઓ પણ જોડાયા છે. અમરેલી જિલ્લાની (૧) અમરેલી (ર) બગસરા, (૩) સાવરકુંડલા (૪) ખાંભા (પ) રાજુલા (૬) લાઠી (૭) દામનગર (૮) લીલીયા (૯) ધારી (૧૦) ટીંબી (૧૧) બાબરા બજાર સમિતિઓના કર્મચારીઓનો સાથ અને સહકાર મળેલ છે. દેશમાં આવી પડેલ આ કોરનાની મહામારી સમયે લોકો ઘરની બહાર નીકળતા પણ બીતા હોય છે ત્યારે ખેડુતોની વેદના સમજી ખેડૂતોને પોતાના ખેત ઉત્પન્ન વેચવામાં તકલીફ  ન પડે તેમજ આમ જનતાને શાકભાજી મળી રહે તે માટે પોતાના જીવના જોખમે કોરોનાના ભય પણ કર્મચારીઓએ માર્કેટ યાર્ડો કાર્યરત રાખેલ છે.

વાંકાનેર યાર્ડના કર્મચારીઓ દ્વારા બજાર બંધની ચીમકી

વાંકાનેર : યાર્ડના કર્મચારીઓ વિવિધ માંગણીઓ મુદ્દે ૩ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. તેમજ આગામી દિવસમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો પેન ડાઉન, પ્રતિક ઉપવાસ અને બજાર બંધનું એલાન પણ ગુજરાત બજાર કર્મચારી સંઘે ચીમકી ઉચ્ચારી છે. વાંકાનેર યાર્ડના સેક્રેટરી અબ્દુલ ચૌધરીએ જણાવ્યું હતું કે ૬ મેના રોજ સરકાર દ્વારા બજાર ધારામાં વટહુકમ દ્વારા ર૬ જેટલા સુધારા અમલી બનાવ્યા છે. જેને આવકારવામાં આવે છે, પરંતુ આ સુધારા પૈકી અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતિ પર અસર કરે છે. આ મુદે સરકારે ગુજરાત બજાર સમિતિના કર્મચારી સંઘ દ્વારા રજુઆત કરી છે છતાં પણ આજ દિન સુધી કર્મચારીના હિતમાં નિર્ણય લેવાયો નથી. કર્મચારીઓના સેલેરી પ્રોટેકશન અને ભવિષ્યમાં મળવા પાત્રો લાભ મળતા રહે, ફિલ્ડ સ્ટાફ અને માર્કેટીંગ ઇન્સ્પેકટરની સેવા નિયામક વહીવટી તંત્રના હવાલો મૂકવામાં આવે તેવી વિવિધ માંગણી છે જેના વિરોધમાં તા. રર-૭-ર૦થી કર્મચારીઓ દ્વારા ૩ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવશે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત રાજય બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

(11:17 am IST)