Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

શ્રાવણ માસમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇને

શ્રદ્ધાળુઓ માટે સ્વામિનારાયણ મુખ્ય સુવર્ણ મંદિરે દર્શનની વ્યવસ્થા ગોઠવાઇ

ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલા સિદ્ધેશ્વર મહાદેવ સહિતના દેવોના દર્શનનો ભાવિકોને લાભ મળશે

જુનાગઢ, તા.ર૩ : દેવાધિદેવ ભગવાન શિવજીની પૂજા-અર્ચનાનો અનેરો મહિમા ગણાતા પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે શ્રાવણ માસ દરમ્યાન હરિભકતો અને શ્રદ્ધાળુઓને સિદ્ધેશ્વર મહાદેવ અને મંદિરમાં પધરાવેલા દેવોના દર્શનનો લાભ મળે તે માટે ખાસ વ્યવસ્થા જૂનાગઢ સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે કરી . દર્શનાર્થીઓએ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ લાભ લેવા અને સમગ્ર વિશ્વના કલ્યાણની કામના સાથે આપણે સૌ ભગવાન શિવજીના દર્શન કરીએ તેવો અનુરોધ સુવર્ણ મુખ્ય સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ નવાગઢવાળાએ અનુરોધ કરેલ છે.

કોરોના મહામારીના સમયમાં ખૂબ જ સાવચેતી અને તકેદારીના પગલા સર્વત્ર લેવાઇ રહ્યા છે. મંદિરો અને ધાર્મિક સ્થળોમાં પણ જુદી જુદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢના સુવર્ણ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભકતો અને શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી મહારાજ નવાગઢવાળાએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલા પ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધારમણદેવ, રણછોડરાયજી મહારાજ, ત્રિકમરાયજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, ભગવાન ગણેશજી, ભગવાન હનુમાનજી સહિતના દેવોનો સ્વામી મંદિર જવાહર રોડ મોટા મંદિર ખાતે જયાં વાસ છે અને શ્રદ્ધાળુઓની આસ્થા જયાં રહેલી છે.

ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જણાવેલ છે કે દવોના દેવ મહાદેવ એવા ભગવાન શિવજીને પ્રિય એવા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં ભગવાન શિવજીના દર્શન, પ્રાર્થના, પૂજા સહિતના કાર્યક્રમો યોજવા જોઇએ અને ભગવાન શિવજી આગળ સમગ્ર વિશ્વના કલ્યાણની કામના કરવામાં આવી રહી છે.  શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે પણ શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકે.

દરેક ભકતોએ સેનેટાઇઝ થવું, માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવી રાખવું તેવો અનુરોધ શાસ્ત્રીય સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી મહારાજે કરેલ છે. રાધારમણ દેવ વહીવટી સમિતિના ચેરમેન કોઠારી સ્વામીશ્રી દેવનંદનદાસજી મહારાજ અને સર્વે ટ્રસ્ટી મંડળના ચેરમેન, સભ્યોના માર્ગદર્શન હેઠળ દર્શન માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.  

(12:56 pm IST)