Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

૨૪ કેસ, ૨ મોત સાથે કચ્છમાં કોરોનાનો ઉપાડો : કુલ કેસ 402 : મોત 23

સરકારના મોટા દાવાઓ અને લોકોમાં ફફડાટ વચ્ચે કચ્છમાં તંત્રનું રગશીયું ગાડું, યુવા પત્રકાર ઉદય અંતાણીને કોરોના પોઝિટિવ આવતાં પત્રકાર આલમમાં ચિંતાની લાગણી

ભુજ : છેલ્લા બે દિવસથી કચ્છમાં ૪૫ કેસ અને ૪ માનવ જિંદગીનો ભોગ લઈ કોરોનાએ આતંક સાથે ભય સર્જ્યો છે. આજે ૨૪ પોઝિટિવ કેસ અને બે મોત થયા છે. ગાંધીધામના ૬૩ વર્ષીય હીરાલાલ ટેકચંદ ઠકકર અને ૭૫ વર્ષીય વાડીલાલ લોદરિયાનો કોરોનાએ ભોગ લીધો છે. કુલ મોતની સંખ્યા વધીને ૨૩ થઈ છે. બીજી બાજુ પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. આજે ૨૪ કેસમાં ભુજમાં ૭, નલિયામાં ૮, ભચાઉમાં ૨, અંજારમાં ૨, ગાંધીધામમાં ૨, આદિપુરમાં ૧ અને સરહદના છેવાડાના ગામ ઘડુલી (લખપત)ના ૨ કેસ છે. ગાંધીધામના યુવા પત્રકાર ઉદય અંતાણીને પણ કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે જેને પગલે કચ્છના પત્રકાર આલમમાં ચિંતાની લાગણી છવાઈ છે. ઉદય અંતાણી કચ્છના જાણીતા દૈનિક કચ્છમિત્રના પત્રકાર છે. દરમ્યાન કચ્છમાં કોરોનાના વધતા જતાં કેસો અને મોત પછી આંતરિક અસંકલન અને માહિતીની બાબતે ચર્ચા બાદ હવે સારવારના મુદ્દે આક્ષેપ થતાં ખળભળાટ સર્જાયો છે. ગાંધીધામના રહેવાસી હીરાલાલ ટેકચંદ ઠકકરના મોત મામલે તેમના પરિવારજનોએ રેમડીસીવીર ઇન્જેક્શન વિનંતી છતાંયે ન અપાયા હોવાનો આક્ષેપ કરી મોત બાબતે તંત્રની બેદરકારીનો આક્ષેપ કરી સારવાર સામે સવાલ ઉઠાવ્યો છે. સરકારની સંવેદનશીલતા વચ્ચે કચ્છમાં તંત્રનું ગાડું રગશીયું છે.

(10:06 pm IST)