Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

મુખ્ય સચિવ પંકજકુમાર કચ્છમાં: વડાપ્રધાન નરેન્દ્રભાઈના ડ્રીમ પ્રોજેક્ટ ભુજના સ્મૃતિવનના કામો સમયમર્યાદામાં તાકીદે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના

મુખ્ય સચિવ પંકજકુમારનું ભુજીયા ડુંગરમાં આકાર લેતાં સ્મૃતિ વનના પ્રોજેક્ટનું સતત મોનીટરીંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ :  ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે આજરોજ ભુજ ખાતેના સ્મૃતિવનની જાત મુલાકાત લઈને કાર્યરત કામોનું નિરીક્ષણ કરીને બાકી રહેલા તમામ અધુરા કામો સમયમર્યાદામાં તાકીદે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓ તથા એજન્સીને સૂચના આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા     ભુજીયા ડુંગરમાં આકાર લઈ રહેલા સ્મૃતિવનની મુલાકાત ટાંકણે રાજ્યના મુખ્ય સચિવશ્રીએ નિર્માણાધીન વિવિધ વિકાસ કામોની વિગતો મેળવી હતી. સબ સ્ટેશન, મ્યૂઝીયમ, રિસેપ્શન એરીયા, કેફેટેરીયા, પ્લે એરીયા, ફ્લડ મોડેલ, અર્થક્વેક મોડેલ, રેસ્કયૂ હોલોગ્રામ એરીયા, એમ્ફિથિયેટર સહિત અન્ય માળખાકીય સુવિધા તેમજ નિર્માણાધીન વિવિધ કામગીરીની સમીક્ષા સાથે કામની પ્રગતિ અંગે જાણકારી મેળવીને બાકી રહેલા કામોને નિયત અવધિમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે સંબંધિત અધિકારીશ્રીઓ તથા કામ કરતી એજન્સીને કામમાં ગતિ લાવવા, માનવબળ વધારવા તેમજ એક એક મિનિટનો ઉપયોગ કરીને સમગ્ર કામ ત્વરાએ પૂર્ણ થઇ જાય તે અંગે સૂચના આપી હતી. વિવિધ બ્લોકમાં લોકોના મનોરંજન માટે તૈયાર થતાં પ્રકલ્પોમાં ખુટતા મટીરીયલ્સ તથા અન્ય ચીજોની સૂચી બનાવીને તે સમયાનુસાર ગંતવ્ય સ્થળ સુધી પહોંચે તે માટે ગંભીરતાપૂર્વક મોનીટરીંગ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. આ તકે તેમણે વિવિધ બ્લોકમાં ધરતીકં૫ની ડોક્યુમેન્ટરી, સિંધુ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ટૂંકી ફિલ્મ તથા પર્યાવરણીય ડોકયુમેન્ટરી વગેરે નિહાળીને ટેક્નીકલ કામગીરીનું ટેસ્ટીંગ કરાવ્યું હતું.

    ભુજીયા ડુંગરમાં આકાર લઈ રહેલા મીયાવાકી ફોરેસ્ટની મુલાકાત લઈને તેમણે મીયાવાકી પદ્ધતિ તેમજ અહીં ઉગેલા વિવિધ પ્રકારના વૃક્ષોની નિષ્ણાંત પાસેથી જાણકારી મેળવીને વૃક્ષારોપણ કર્યું હતું. મીયાવાકી પદ્ધતિથી ૭ લાખથી વધુ વૃક્ષોનો ઉછેર કરવામાં આવશે તે વિશે વિસ્તૃત વિગતો મેળવી હતી.

        આ તકે અધિક મુખ્ય સચિવ (મહેસુલ અને GSDMAના સીઇઓ) કમલ દયાની, માર્ગ-મકાન વિભાગના ચીફ એન્જિનિયર પી.આર.પટેલીયા, માર્ગ-મકાન વિભાગના ઇલેક્ટ્રીકલ સુપ્રીટેન્ડેટશ્રી યુ.ઓઝા, કલેક્ટર પ્રવિણા ડી.કે, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, ભુજ સીટી મામલતદાર કલ્પનાબેન ગોંડીયા, માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેર વી.એન.વાઘેલા તેમજ સંબંધિત વિભાગના સર્વ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:49 am IST)