Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

ગોંડલ બન્‍યુ કોંગ્રેસ મુક્‍તઃ દોઢસો કાર્યકકર્તાઓ પાટીલની હાજરીમા ભાજપમા જોડાયાઃ ગુજરાતનો પ્રથમ બનાવ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૩: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી કોંગ્રેસ મુકત ભારતની વાત દોહરાવી રહ્યા છે. ત્‍યારે ગોંડલ પંથકના કોંગ્રેસના દોઢસો કાર્યકર્તાઓ સાથે આગેવાનો ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલની હાજરીમા કોંગ્રેસને રામરામ કરી ભાજપમા પ્રવેશતા ગોંડલ કોંગ્રેસ મુકત બન્‍યુ છે. પરીસ્‍થીતી એ છે કે નજદીકમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીઓમા કોંગ્રેસને ગોંડલ માટે ઉમેદવાર શોધવાના ફાફા થવા પામ્‍યા છે. નગરપાલીકા તથા તાલુકા, જીલ્લા પંચાયતોની તમામ બેઠકો કબ્‍જે કરી ભાજપે અગાઉ ગોંડલમા કોંગ્રેસનો વ્‍હાઇટ વોશ કર્યો છે. હવે આગેવાનો સાથે દોઢસો જેટલા કાર્યકરોએ ભગવો ખેસ પહેરતા કોંગ્રેસ મુકત ગોંડલ બન્‍યુ છે. ગુજરાતમા કદાચ આ પ્રથમ રાજકીય ઘટના ગણી શકાય.

વન ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ અંતર્ગત ગુરુવારે ગોંડલ આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમા પુર્વ પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને જુના કોંગ્રેસી ગણાતા દિલીપભાઈ સોજીત્રા એ તેમના ટેકેદારો સાથે ભાજપમા પ્રવેશ મેળવ્‍યો હતો. ઉપરાંત યાર્ડના માજી ચેરમેન કોંગ્રેસના પીઢ અગ્રણી સવજીભાઈ વિસાવડીયા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ભરતભાઇ પાનસુરીયા, જયસુખભાઇ વઘાશીયા, નટુભાઈ ગોંડલીયા, નિકુંજભાઇ પડારીયા, અંકુરભાઇ સાટોડીયા, મોહીતભાઇ પાંભર, ગૌતમભાઇ સાટોડીયા, લઘુમતી સેલના મહમદ ટીકડ સહિત દોઢસો કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ખેસ અંગીકાર કર્યો હતો. બીજી બાજુ આમ આદમી પાર્ટીના જશાભાઇ સોલંકી, રઝાકભાઈ કાથરોટીયા સહિતનાએ પણ આપ સાથે છેડો ફાડી ભાજપમા પ્રવેશ મેળવ્‍યો હતો.

હાલ શહેરની નગરપાલીકા, તાલુકા પંચાયતની તમામ બેઠકો ભાજપે કબ્‍જે કરી હોય આ સંસ્‍થાઓ વિપક્ષ વિહીન બનવા પામી છે.

સી.આર.પાટીલના ગોંડલ ખાતેના કાર્યક્રમમા પચ્‍ચીસ હજારથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડ્‍યા હોય જબરી સફળતા પ્રાપ્ત થઇ છે. ભાજપ મોવડી જયરાજસિહ જાડેજાના નેતૃત્‍વમા જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોંડલમા યોજવામા ભાજપ સફળ રહ્યુ છે. ચુંટણીઓ પુર્વે જ માહોલ બનાવવામા પણ ભાજપને સફળતા મળી છે. ત્‍યારે મોટી સંખ્‍યામાં કોંગ્રેસીઓએ ભાજપનો ખેસ ધારણ કરતા ગોંડલ પંથકમાં કોંગ્રેસની હાલત મૃતપાય બનવા પામી છે.

(10:02 am IST)