Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

સુત્રાપાડા : પ્રાકૃત્તિક ખેતી માટે અળસીયા પર ભાર મુકવા કેવીકેના પૂજાબેન નકુમની અપીલ

(રામસિંહ મોરી દ્વારા)સુત્રાપાડા તા. ૨૩ : કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-ગીર સોમનાથના વિષય નિષ્‍ણાંત પૂજાબેન નકુમે તેમની સાથેની વાતચીત દરમિયાન જણાવ્‍યું હતું કે ચારેકોર પ્રાકળતિક ખેતી, રસાયણમુક્‍ત ખેતી, ઝેરમુક્‍ત ખેતીની ચર્ચાઓ ચાલી રહી છે ત્‍યારે હવે એ સમય આવી ગયો છે કે આપણે સૌએ સૌપ્રથમ  ‘અ અળસીયાનો અ'થી શરૂઆત કરવી પડશે.
કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જમીનએ ખૂબ જ મહત્‍વનો કુદરતીસ્ત્રોત છે. એક સમય હતો જ્‍યારે જમીનમાં આપણને પુષ્‍કળ અળસીયા જોવા મળતા હતા પરંતુ દિન પ્રતિદિન કળષિમાં રસાયણોના થતા અવિચારી અને વધુ ઉપયોગને કારણે જમીનની ગુણવતા તથા ઉત્‍પાદન શક્‍તિ ઉપર પ્રતિકુળ અસર થતી જાય છે અને અળસિયા ભાગ્‍યે જ કોઈ ખેતરમાં જોવા મળે છે. જેના પરીણામે પાકના ઉત્‍પાદન અને ગુણવત્તા પર પણ તેની માઠી અસર જોવા મળે છે.
આવા સંજોગોમાં જમીનમાં સેન્‍દ્રીય પદાર્થો ઉમેરવાની જરૂરીયાત ઉભી થયેલ છે. જેમાં છાણીયુ ખાતર, વિવિધ ખોળ, લીલો પડવાશ, વર્મિકમ્‍પોસ્‍ટ ઉપયોગી છે.  વર્મિકમ્‍પોસ્‍ટએ અળસીયા દ્વારા ઝડપથી તેયાર થતુ સેન્‍દ્રીય ખાતર છે. જે નાઇટ્રોજન, ફોસ્‍ફરસ, તથા પોટાશ જેવા મુખ્‍ય પોષકતત્‍વો તથા ગૌણ અને સુક્ષ્મતત્‍વો પૂરા પાડે છે. આ ઉપરાંત અળસીયા દ્વારા છોડવામાં આવતા ઉત્‍સેચકોના કારણે તેની ગુણવત્તા અન્‍ય સેન્‍દ્રીય ખાતરો કરતા ઉંચી હોય છે. અળસીયુએ ખેડૂતનું કુદરતી હળ છે કારણ કે તે જમીનમાં સતત કાર્યરત રહે છે. જેના લીધે જમીનમાં અનેક કાણાં પડે છે જે જમીન માટે ફાયદારૂપ સાબીત થાય છે. અળસીયુ એ ખેડુતના ખેતરનો અવિરતપણે કામ કરતો એંજીનીયર છે. જો અળસીયા કે તૈયાર થયેલ ખાતરનો જથ્‍થો વધુ પ્રમાણમાં હોય તો તેનુ વેચાણ કરી આવકનો એક નવોસ્ત્રોત પણ ઉભો કરી શકાય છે. આથી આપણી જમીનમાં ખેડુતના મિત્ર એવા અળસીયાની સંખ્‍યા કેવી રીતે વધે તે અંગે સહિયારા પ્રયત્‍ન કરવાની પૂજાબેન નકુમે સૌને અપીલ કરી હતી.

 

(11:40 am IST)