Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ચોટીલાના લાખણકા ગામે રસીકરણ બંધ કરવાની ધમકી આપતા વિવાદ

વઢવાણ,તા.૨૩ : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામે કોરોનાની રસી આપતા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કર્મચારીઓ રસીકરણ કરી રહ્યા હતા ત્યારે ગામના ભૂપત ખોરાણીએ કર્મચારીઓને રસીકરણ બંધ કરવાની ધમકી આપતાં વિવાદ થયો છે.ચોટીલા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીએ ચોટીલા પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે અને સાથે જ તમામ કર્મચારીઓએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરી છે.

મળતી માહિતી મૂજબ ગત સોમવારે ચોટીલા તાલુકાના લાખણકા ગામે આરોગ્ય કર્મચારીઓ જયારે રસીકરણ કરી રહ્યાં હતા ત્યારે ભૂપત ખોરાણી નામના શખ્સે રસીકરણ કરી રહેલા કર્મચરીઓને ધમકી આપી અને રસીકરણમાં ખલેલ પહોચાડી હતી અને ધમકી આપતા કહ્યું, ''ગામમાં મને પૂછ્યા વિના રસીકરણ કરવું નહીં !''

 ધમકીની આ ઘટનાને કારણે રસીકરણ અભિયાનમાં દિવસ રાત જોયા વગર કામ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓમાં રોષ વ્યાપ્યો હતો અને તેઓએ સામુહિક રૂપે મામલતદાર અને પોલીસને ફરિયાદ કરી હતી. ચોટીલા મામલતદાર અને પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારીઓને ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરજમાં રુકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પાટડીની પરણીતાને ત્રાસ

વિરમગામ તાલુકાના ડેડીયાસણ ગામે પિયરમાં રહેતી પરીણીતાએ તેના પાટડી સ્થીત સાસરીયા સામે છુટ્ટાછેડા માટે દબાણ કરતા હોવાની લેખીત ફરીયાદ કરીને પતિ સહિતના સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

રીટાબેન ગોવિંદભાઈ ડાભી નામની પરીણીતાએ પોલીસમાં આપેલ લેખીત ફરીયાદમાં જણાવાયેલ છે કે, તેના લગ્ન મુળ ભલગામ હાલ પાટડી રહેતા જીજ્ઞોશ મોહનભાઈ પરમાર સાથે તા. ૧૦/૧૨/૨૦૨૦ ના રોજ નાતના રીતરીવાજ મુજબ થયેલ છે ૫રંતુ લગ્નના ત્રણ માસ બાદ જ સાસરીપક્ષ દ્વારા છુટ્ટાછેડા કરવાનો પ્રયાસો  શરૂ થયેલ છે. રીટાબેનનો આક્ષેપ છે કે, સાસરીયા પક્ષવાળા વગદાર અને સાધન સંપન્ન હોવાથી યેન - કેન પ્રકારે છુટ્ટાછેડા માટે દબાણ કરે છે. સમાજના માણસો ચારીત્ર્ય સંબંધી આક્ષેપો કરીને છુટ્ટાછેડા કરાવવાના પ્રયાસ કરે છે.

રીટાબેનના પતિ બેંકમાં નોકરી કરે છે રીટાબેનના પિયરીયાની આર્થિક સ્થિતી સામાન્ય છે આથી સાસરીયામાં તેમની સાથે તોછડુ - અપમાન જનક વર્તન થતું હોવાનું તેમણે જણાવાયેલ છે. માનસીક ત્રાસ આપીને દહેજ અંગે મેણા ટોણા મારતા તેઓ હતાશ થઈ ગયા હતા. સાસરીયાવાળાએ પાટડીમાં છુટ્ટાછેડા માટે નાત બોલાવીને મનસ્વી રીતે દસ્તાવેજી પૂરાવા ઉભા કરેલ હોવાનું જણાવીને રીટાબેને સાસરીયા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

(11:36 am IST)