Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રવિવારથી ગૂમ ધોરાજીના યશ શાહની વેગડીના ડેમમાંથી લાશ મળીઃ પરિવારનો એક જ પુત્ર હતો

ધોરાજી રિલાયન્સ મોલમાં કામ કરતો હતોઃ બીજી નોકરી શોધવા જાય છે તેમ કહી ઘરેથી નીકળ્યો હતોઃ મૃતદેહ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૩: ધોરાજીમાં હવેલી શેરીમાં શરાફ બજાર પાસે રહેતો યશ જયેશભાઇ શાહ (વણિક) (ઉ.વ.૨૨) નામનો યુવાન રવિવારે ઘરેથી બીજી નોકરી શોધવા માટે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ તેની ધોરાજી નજીકના વેગડી ગામના ભાદર ડેમમાંથી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી રહેતો યશ શાહ ગયા રવિવારે ઘરેથી નીકળ્યો હતો. પોતે બીજી નોકરી શોધવા જાય છે તેમ કહીને ગયા બાદ પરત ન આવતાં પરિવારજનોએ આકુળ વ્યાકુળ થઇ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન વેગડી ડેમમાંથી એક યુવાનની લાશ મળતાં તપાસ થતાં આ લાશ ગૂમ થયેલા યશ શાહની હોવાનું ખુલતાં ધોરાજી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો છે.

યશ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. હાલમાં તે ધોરાજીના રિલાયન્સ મોલમાં કામ કરતો હતો. બીજી નોકરી શોધવાનું કહીને તે નીકળ્યો હતો. તેના પિતા કટલેરીનો ધંધો કરે છે. યશે આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. એકન એક યુવાન અને આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(12:36 pm IST)