Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જેતપુર પાસે કારખાનામાં બુકાનીધારી તસ્કરો ત્રાટકયાઃ ૩.પ૦ લાખની રોકડ ચોરી ગયા

તસ્વીરમાં સીસીટીવીમાં કેદ થઇ ગયેલ તસ્કર નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર) (૪.૧૧)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ર૩: જેતપુર પાસે પેઢલા રોડ ઉપર આવેલ કારખાનામાંથી બુકાનીધારી તસ્કરો ૩.પ૦ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા.

બનાવની વિગત એવી છેકે તાલુકાના પેઢલા ગામની સીમમાં હાઇવે રોડ પર આવેલ ટોપ નમકીન નામના કારખાનાના માલીક અજયભાઇ મનસુખભાઇ વાઘાણી (રહે. પંચવટી સોસાયટી) રવિવારે અત્રે નવેક વાગ્યાની આસપાસ પોતાના નિત્યક્રમ મુજબ આખા દિવસના એકત્રીત થયેલ રોકડા રૂ. ૩.પ૦ લાખ ટેબલના ખાનામાં લોક કરી ઘેર જતા રહેલ ગઇકાલે સવારે ઓફીસ ખોલતા કાચ તુટેલ હોય, ટેબલનું ખાનુ ખુલ્લુ હોય ચોરી થયાનું માલુમ પડતા ચેક કરતા ટેબલમાં રાખેલ રોકડા રૂ. ૩.પ૦ લાખ ન હોય તેમણે કારખાનાનું સીસીટીવી રેકોર્ડીગ  જોતા મોડી રાત્રે ૧.૩૦ વાગ્યાના અરસામાં ચાર શખ્સો મોઢે કપડુ બાંધી પ્રવેશી ચોરી કરતા હોવાનું માલુમ પડેલ. અજયભાઇએ આ અંગે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી ચોરીનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરેલ છે.

આ ચોરી અંગે એ.એચ.પી. બાગમારે માહીતી આપતા જણાવેલ કે ડોગ સ્કવોડે ફીંગર પ્રીન્ટ, એફએસએલની ટીમ આજે તપાસમાં આવશે. ઉપરાંત આજુબાજુના સીસીટીવી કેમેરાના રેકોર્ડીંગ ચેક કરાશે. તસ્કરોએ મોઢા ઉપર કપડુ બાંધેલ હોય ચહેરા ઓળખી શકાય તેમ ન હતા.

(1:04 pm IST)