Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

હળવદના માથક ગામે નજીવી બાબતમાં જૂથ અથડામણ : ચાર ગાડીઓના કાચનો ભુક્કો

બંને પક્ષે છ લોકો ઘાયલ થતા સામસામી ફરિયાદ : ગાળો બોલવાની ના પાડતા ડખ્‍ખો

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨૩ : હળવદ તાલુકાના માથક ગામે ગાળો બોલવા તેમજ ઘર પાસેથી ચાલવા મામલે નજીવી બાબતમાં બે જૂથ વચ્‍ચે છુટા હાથની મારામારી કરી છરી, ધોકા વડે હુમલો કરવાની સાથે બન્ને પક્ષે બે બે ગાડીઓના કાચ તોડી નુકશાન કરાતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને ડાક વગાડવાનું કામ કરતા ગોવિંદભાઇ દેવશીભાઇ મકવાણાએ આરોપી(૧) અંકલો ઉર્ફે વિજય ભુપતભાઇ કોળી (૨) નિલેશ ઉર્ફે નિકો હેમુભાઇ કોળી (૩) લાલજીભાઇ પ્રભુભાઇ કોળી (૪) અનિલભાઇ ભરતભાઇ રાવલ (પ) ભાવેશભાઇ પ્રકાશભાઇ રાવલ રહે. તમામ માથક ગામ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ ગત તા.૨૯ના રોજ રાત્રીના દશામાના મંદીર પાસેથી જતા હતા ત્‍યારે આરોપીઓ ગાળો બોલતા હોય તેઓને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્‍કેરાઇ ગયા હતા અને ફરીયાદી તેમજ સાહેદ મુકેશભાઇ ને છરી વતી છાતીના વચ્‍ચેના ભાગે મારી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી બાદમાં આલ્‍ટો તથા બ્રેજા કાર દોડાવી છુટા પથ્‍થર તથા ઇટોના ઘા મારતા જયેશ તથા પ્રતિક ને શરીરે નાની મોટી મુઢ ઇજાઓ પહોંચાડી સાહેદ વિભાભાઇના ઘરના ફળીયા પ્રવેશ કરી ઘરના ફળીયા પડેલ ઇકો તથા સ્‍વીફટ ગાડીના કાચ ફોડવાની સાથે ફળીયાના દરવાજામા ઘા મારી નુકશાન કરી તેમજ છુટા પથ્‍થર ના ઘા મકાન ઉપર કરતા સાહેદ રંજનબેનને જમણા પગમાં મુઢ ઇજા કરી હતી.

બીજી તરફ સામાપક્ષે વિજયભાઇ ઉર્ફે અંકલો ભુપતભાઇ મદ્રેસાણીયા, રહે.માથક વાળાએ વળતી ફરિયાદ નોંધાવી આરોપી કમલેશભાઇ કુકાભાઇ રાવળ, મુકેશભાઇ દેવશીભાઇ રાવળ, ગોવિદભાઇ દેવશીભાઇ રાવળ તથા મનસુખ રતુભાઇ રાવળ રહે. તમામ માથક ગામ વાળાઓએ રસ્‍તામાં ચાલવા મામલે ઝઘડો કરતા હોય ફરીયાદી વચ્‍ચે પડતા આરોપીઓ ઉશ્‍કેરાઇ જઈ ફરીયાદીને ગાળો આપી ધોકાથી ફરીયાદીને માથામાં તથા શરીરે મારી સામાન્‍ય ઇજાઓ કરી તથા સાહેદ રેખાબેન વચ્‍ચે પડતા તેને પણ આરોપીઓએ ડાબા હાથની આંગળીમાં ઇજા કરી ફરીયાદીની બ્રેજા ગાડી તથા સાહેદની અલ્‍ટો ગાડીના કાચ ફોડી બન્ને ગાડીમાં નુકશાની કરી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.

માથક ગામના આ બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:35 am IST)