Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

રાજકીય ગરમાવા વચ્‍ચે ગાંધીનગરના વાતાવરણમાં ઠંડક : ૧૨.૭ ડિગ્રી

ગિરનાર ૯, નલીયા ૧૩.૮, અમરેલી - જૂનાગઢ ૧૪, રાજકોટમાં ૧૫.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાાન

રાજકોટ તા. ૨૩ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર અનુભવાય છે અને સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની વધુ અસર વર્તાવા લાગે છે. બપોરના સમયે ઉનાળા જેવું વાતાવરણ અનુભવાય છે.

રાજકીય ગરમાવા વચ્‍ચે આજે ગુજરાત રાજ્‍યના પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી ૧૨.૭ ડિગ્રી નોંધાઇ હતી. જ્‍યારે નલીયા ૧૩.૮, અમરેલી - જૂનાગઢ ૧૪, રાજકોટમાં ૧૫.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.

જૂનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢ : આજે ગિરનાર પર્વત ૯ ડિગ્રી ઠંડીની સાથે કાતિલ ઠારને લઇ ટાઢોબોળ થઇ ગયો છે.

ગઇકાલની સરખામણીએ સવારે ગિરનાર પર્વત ખાતેનું લઘુત્તમ તાપમાન વધીને ૯.૩ ડિગ્રી નોંધાયું હતું પરંતુ વાતાવરણમાં કાતિલ ઠારના પરિણામે પર્વતીય વિસ્‍તારમાં કાશ્‍મીર જેવું વાતાવરણ થઇ જવા પામ્‍યું હતું.

જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ૧૪.૩ ડિગ્રી નોંધાયું હતું પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૨ ટકા થઇ જતા ઠંડીની અસર બેવડાઇ હતી. સવારના અઢી કિમીની ઝડપે ઠંડો પવન રહેતા વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : સુરેન્‍દ્રનગર જીલ્લામાં કારતકનાં અંતિમ દિવસોમાં ઠંડી ધીમેધીમે જોર પકડી રહી છે.વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. ઘર-ઓફીસમાં એ.સી., પંખા બંધ થઈ ગયા છે અને સ્‍વેટર, ધાબળા, બ્‍લેન્‍કેટનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે મોર્નીંગ વોક કરવા લોકોની સંખ્‍યા પણ વધી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં લધુતમ તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે મંગળવારે ૧૬.૫ ડીગ્રી લધુતમ તાપમાન નોંધાયું હતું.

(11:36 am IST)