Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

જામનગરમાં ભાજપના રિવાબા સામે કોંગ્રેસ બાળમજૂરી કરાવતી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરી, નણંદે પણ ટોણો માર્યો...

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨૩ : જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસના પ્રદેશ મંત્રી નયનાબા જાડેજા કે, જે ભાજપમાં ૭૮ વિધાનસભાની ચૂંટણી લડતા રીવાબાના નણંદ થાય તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપમાં ઉભેલા ભાભી સામે લોકોનું ધ્યાન દોર્યું છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવાર રિવાબા દ્વારા બાળકોને સાથે રાખી બાળમજૂરી કરાવતી હોવાના પણ આક્ષેપ સાથે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરમાં ભાજપ કોંગ્રેસ કરતા નણંદ- ભોજાઈની બરોબરની જામી છે. ચૂંટણીમાં એક તરફ પ્રચાર પ્રસાદનો જંગ જામ્યો છે તો બીજી તરફ આરોપ પ્રતિ આરોપનો સિલસિલો શરૃ થયો છે. જામનગર ૭૮ વિધાનસભામાં રાજપુત સામે રાજપૂત ઉમેદવાર મેદાને છે ત્યારે જાડેજા પરિવારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રીવાબાને ભાજપે મેદાને ઉતાર્યા છે ત્યારે સામે પક્ષે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અવારનવાર તેઓ દ્વારા ભાજપમાં ઉભેલા ભોજાઈ સામે અનેક આરોપ પ્રત્યારોપ કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ યોજી નયનાબાએ ભાજપમાં ઉભેલા ભોજાઈ સામે ફરી એકવાર નિશાન તાક્યું છે.

પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના મંત્રી નયનાબા જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રીવાબાનો મત કોને?, જે વ્યકિત પોતાને મત નથી આપી શકતા, એ બીજા પાસે શું મતની અપેક્ષા રાખી શકે?.. અને નયનાબાએ કહ્યું હતું કે, રીવાબા રાજકોટ પશ્ચિમ બેઠકના મતદાર છે. અને કટીંગ સાથે આ દાવો કરી કહ્યું હતું કે, ત્રણ નંબર ક્રમ આવેલા રીવાસિંહ હરદેવસિંહ સોલંકી તરીકે પોતાને ઉપનામ આપ્યું છે અને રવિન્દ્રસિંહ ને બ્રેકેટમાં રાખ્યા છે. તો એવો પ્રશ્ન થાય છે કે, શું છ વર્ષમાં સરનેમ ચેન્જ કરવાનો સમય નથી મળ્યો? કે પછી રવિન્દ્રસિંહના નામે એમને પબ્લિસિટી મેળવવી છે?.. એમના નામની એમને જરૃર નથી? તેમ કહી ફરી એક વખત નિશાનો ટાંકી ટોણો માર્યો છે.

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા ભાજપના ૭૮ વિધાનસભાના ઉમેદવાર રીવાબા જાડેજા દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ક્રિકેટ રમતા બાળકોને સાથે રાખી બાળમજૂરી કરાતી હોવાની પણ ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ નોંધાવવામાં આવી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:33 pm IST)