Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

કચ્છની ધરતી પર ઓશો ઉર્જાએ અકલ્પનીય જીવન પરિવર્તન કર્યું

સ્વામી સત્ય દર્શન : ઓશો વિરોધી વિદ્યાર્થી શિષ્ય બન્યા

કચ્છમાં વિશ્વનો સર્વોત્તમ આશ્રમ નિર્માણ કરવાની ઓશોની ઇચ્છા હતી : માંડવીના વિજય વિલાસ પેલેસ ખરીદવા સુથી પણ અપાઇ ગઇ હતી : રાજકારણીઓની ઉશ્કેરણીથી સ્થાનિકોએ ભયંકર વિરોધ કર્યો : આમાના ઘણાં વિરોધીઓ આજે ઓશોથી ઓતપ્રોત જીવન માણી રહ્યા છે : સકારાત્મક પરિવર્તન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્છ માંડવીની ભૂમિ પર વિજય વિલાસ પેલેસ ખાતે સંબુદ્ઘ સદગુરુ ઓશોને અતિ આધુનિક કોમ્યુન (આશ્રમ) મેડીટેશન માટેની દુનિયામાં કયાંય ન હોય તેવી સુવિધા ઉભી કરવાની મહેચ્છા હતી કે જયાં દુનિયાભરના સાધકો આવે અને ધ્યાન પ્રયોગો દ્વારા પોતાની અંતરયાત્રા આગળ ધપાવી શકે તેમજ તમામ ધ્યાન પ્રયોગો અને તમામ સાધના, પરંપરાઓ કે જે, જે-તે સમયે વિવિધ બુદ્ઘ પુરૂષો દ્વારા આપવામાં આવેલ છે તેમને ફરી પુનઃ ઉદ્રાતીત કરી તે દ્વારા લોકોનો અંતરપથ પ્રશિસ્ત થાય તેવા પ્રયત્નો કરવાનો હતો.

પરંતુ હંમેશાથી થતું આવ્યું છે, તેમ જે-તે સમયના જાગૃત પુરૂષો, બુદ્ઘ પુરૂષોને સમજવામાં આપણે સૌ થાપ ખાઈ જતા હોઈએ છીએ, તેમ બધાની માફક ઓશોનો પણ દેશભરમાં જબરજસ્ત વિરોધ થયો એટલું જ નહિ એમને કયાંય આશ્રમ ન બનાવવા દેવા ચારે તરફથી ભયંકર નફરતનો સામનો કરવો પડ્યો, જેમાં રાજકારણીઓથી લઈને પંડિત-પુરોહિતો, મૌલવીઓ, પાદરીઓ વગેરે સામેલ હતા.

ત્યારે ઓશોએ કચ્છમાં માંડવી ખાતે વિજય વિલાસ પેલેસ ખાતેની જગ્યા પસંદ કરી, કારણ કે જે તે વખતે ઓશોને તેમના આ જનજાગરણ અભિયાનમાં મુંબઈના જૈનોનો પણ ખૂબ મોટો સહયોગ મળ્યો હતો, જેમાં કચ્છના ઘણાં સન્યાસીઓ, પ્રેમીઓ પણ હતા... અને ખાસ તો ગોધરાના માં યોગ લક્ષ્મી તો તેમના નિજી સચિવ હતા... એટલે આ બધાં કારણોસર તેમને જયારે આ જગ્યાનું કહેવામાં આવ્યું ત્યારે તેમને તે ખૂબ જ પસંદ પડ્યું... કારણ કે એક અતિ પછાત વિસ્તાર, કે દુરના છેવાડાના વિસ્તાર કે રણ વિસ્તાર, ધરાવતાં જીલ્લામાં વધુ સારી રીતે ચેલેન્જો ઉપાડી, મોટું કાર્ય હાથ ધરી શકાત તેવી નેમ હતી.

કચ્છને નંદનવન બનાવવા ઉપરાંત, હજારો યુવાનીયાઓને રોજી રોટી આપવાની નેમ હતી, અનેક ઉદ્યોગો અને ટુરીઝમની રીતે પણ કચ્છને દુનિયાના નકશા પર લાવવાની સ્વાભાવિક તૈયારી હતી. કારણ કે દુનિયાભરમાંથી લોકો, પ્રેમીઓ, સંન્યાસીઓ અહીં આવવાના હતા અને આ અવરજવરના લીધે કેટકેટલાંય યાતાયાતના સાધનો, સુવિધાઓ, ઉપકરણો તૈયાર થાત. જે કચ્છને અને માંડવીને વિશ્વના ફલક પર પ્રસ્થાપિત કરત.

પરંતુ થયું કંઇક જુદુ જ....

જે હંમેશા કચ્છની એક કમનશીબી રહી છે, તેમ રાજકારણીઓના આદેશ અને આગ્રહથી જાણ્યા સમજયા વગર સ્થાનીક લોકોને ભરમાવી, શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓને સાથે લઇ, આંધળો વિરોધ કરાયો.. અને એક અનુઠો, અદ્ભૂત અને દિવ્ય મિશન વેડફાઈ ગયો અને કચ્છે વિકાસ અને અધ્યાત્મના ઉત્થાનની એક સુવર્ણ તક ગુમાવી દીધી.

૧૯૮૧થી કચ્છના રાજવીઓ સાથે વાટાઘાટો ચાલતી હતી અને માંડવીથી ૮ કી.મી. દૂર કાઠડા મધ્યે આવેલ કચ્છના રાજવીઓના વૈભવ અને સંસ્કૃતિક વારસાની વિરાસત સમાન વિજય વિલાસ પેલેસનો સોદો લગભગ નક્કી પણ થઇ ગયેલ અને સુથી પણ અપાઈ ગયેલ...

પરંતુ દિલ્હીની ગાદીએ બેઠેલા રાજકિય લોકોએ પ્રાદેશિક અને સ્થાનિક રાજકિય અગ્રણીઓ અને અન્યોની મદદ લઇ આ મિશન સફળ ન થાય તે માટેનો દુષ્પ્રચાર ફેલાવવાનો પ્લાન ઘડી, સ્થાનિકોના સહકારથી આમાં સફળતા મેળવી... પણ કચ્છને ખૂબ મોટું નુકશાન પહોંચાડ્યું, કે જે કયારેય ન પૂરાય તેવી મોટી ક્ષતિરૂપ સાબિત થયું.

૧૯૮૨માં આ સોદાને આખરી ઓપ આપવા ઓશોના અનુયાયીઓ વિનોદ ખન્ના કે માં યોગ લક્ષ્મી કે અન્યો માંડવી આવી રહ્યા હતા... ત્યારે તેમના વિરોધમાં માંડવીમાં પ્રવેશ ગેટ સમા પુલ પરના મુખ્ય પ્રવેશદ્વારથી લઇ છેક જૈનપુરી સુધીની લાંબી વિરોધ રેલી યોજાઈ. જેમાં કોલેજ-શાળાઓ અને રાજકિય લોકો અને સ્થાનિક લોકો સામેલ હતા. સુત્રોચ્ચાર અને આવેશમાં કોઈએ મોટો પથ્થર પી.આઈ. કે પી.એસ.આઈ.ના માથે માર્યો. રેલીને વિખેરવા પછી બળપ્રયોગો શરૂ થયા અને જોતજોતામાં લાઠીચાર્જ થયો અને દોડાદોડી અને અફડાતફડી સર્જાઈ.

આ રેલીમાં જી.ટી. હાઇસ્કુલના અગ્રણી વિદ્યાર્થીઓ પૈકી આ લખનાર પણ સામેલ હતા અને અન્ય ઘણાં બધાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. જેઓથી કેટલાંક નદીમાં કૂદયા, તો અમે કેટલાંક વિદ્યાથીઓ ત્યાં જ આવેલા શીતલ ગેસ્ટહાઉસમાં પોલીસથી બચવા ઘુસ્યા, જયાં પોલીસે બહારથી કડી મારી દેતાં. અમો બહારની ખુલ્લી લોબી (અગાસી)માંથી લગભગ ૧૦ ફૂટ ના અંતરેથી કૂદીને ભાગેલા અને ખભા પર લાકડી પણ ખાધેલી.

અને જોગાનુજોગ કહો કે ઈશ્વર કૃપા કે સદગુરૂ કૃપા... કે એ જ જોજનો દુર બેઠેલા ઓશોએ ૧૯૮૪માં એક જ

રાતમાં એક જ બુક 'જીન ખોજા તીન પાઇંયા'થી સંપૂર્ણ હૃદયય પરિવર્તન કર્યું અને એ પણ કોઈના પણ સમજાવ્યા કે પ્રચાર વગર !!! અને ૧૯૮૮માં માંડવીની ઓશોના ધર્મ દૂત સ્વામિ આનંદ સ્વભાવજીની શિબિરમાં, સન્યાસ પણ થયો અને એક સમયના વિરોધી વિદ્રોહી વિદ્યાર્થી, એવા જ વિદ્રોહી સદગુરૂ ઓશોના શિષ્ય બની ગયા અને એ સ્વામિ સત્ય દર્શન બન્યા. તે વખતના એક અન્ય વિદ્યાર્થી અને પરમ મિત્ર શ્રી કિશોર પ્રજાપતિ કે જેઓ પણ હાલે ઓશોના સન્યાસી છે અને એમનું નામ સ્વામિ જીવન ખલિશ છે, તેઓ પણ વિરોધ રેલીમાં સાથે હતા.

આ લખનાર ઓશોના એક સમયના વિરોધી આજે ઓશોની શિબિરોના સંચાલક પણ બન્યા અને કચ્છ, વલસાડ, સેલવાસ, સુરત, ગોધરા વગેરે ગુજરાતભરમાં શિબિરોના આયોજન થકી ઓશોનો ધ્યાન અને પ્રેમનો સંદેશ ફેલાવવા સહભાગી પણ બન્યા !!!

આ ડીસેમ્બરમાં ૨૧થી ૨૮ એમ સાત દિવસની આગામી ધ્યાન સાધના શિબિર, કે જે સુરત ખાતેના પિરામીડ ધ્યાન હોલ, મોટા ગામ ખાતે યોજાઈ છે, તેના પણ તેઓ સંચાલક છે.

સાથોસાથ કચ્છમાં 'ફ્રેન્ડ્સ ઓફ ઓશો'ગ્રુપની સ્થાપના કરી અનેક શિબિરો અને ઉત્સવોથી કચ્છમાં અન્ય સંન્યાસી પ્રેમી મિત્રો સાથે મળી ઓશોના કાર્યને એક નવા જોમ જુસ્સા સાથે આગળ ધપાવવાનો મોકો મળ્યો.

ઓશોના ધ્યાન પ્રેમમાં ડૂબી સમર્પણ ભાવે ૨૦૦૯માં બનાવેલ હિન્દી ફિલ્મ : 'ઓશો : મહાસાગર કી પુકાર' સમગ્ર ભારત અને વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય બની અને અનેક લોકોને ઓશોની દેશનાથી પરિચિત કરાવ્યા. જે મારા માટે સદગુરૂના ચરણોમાં ચઢાવેલ એક નાના સમર્પણના ફૂલ સમાન હતું. ત્યારબાદ અનેક ઓડિયો સી.ડી અને 'મૃત્યોર્મા અમૃત મગમય' દ્વારા ભારતભરમાં ઓશો સન્યાસીઓ અને પ્રેમીઓ તરફથી પ્રેમ મળ્યો.

એક ખૂબ જ અગત્યનું યાદગાર સંભારણું વર્ણવતા સત્યદર્શનજી કહે છે કે, એક વખત (લગભગ ૧૯૯૩-૯૪ આસપાસ) ગાંધીનગરમાં મંત્રીમંડળના કાર્યાલયમાં કાર્યકાળ દરમિયાન સાંસદ સ્વ.શ્રી અનંતભાઈ દવેના સૂચનથી અમે સાથે મળી અમદાવાદના મોટેરા મધ્યેના એક ફાર્મ હાઉસમાં ઓશોના રાજનીતિ પરના પ્રવચનો સાંભળવાનો કાર્યક્રમ બનાવ્યો અને અંદાજીત ૨૦ જેટલા અગ્રણી રાજકિય લોકો પૈકી ગુજરાત ભા.જ.પ.ની ધરોહરના મુખ્ય સ્થંભ કહી શકાય તેવા શ્રી નરેન્દ્રભાઇ મોદીજી, સ્વ.શ્રી કેશુભાઈ પટેલ, શ્રી કાશીરામ રાણા, શ્રી સુરેશભાઈ મહેતા, શ્રી શંકરસિંહજી વાઘેલા, શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી ફકીરભાઈ વાઘેલા, શ્રી અરવિંદભાઈ પટેલ, ભાજપ કોષાધ્યક્ષ (ઔડાના ચેરમેન) શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, શ્રી જયનારાયણ વ્યાસ વગેરે હોવાનું મને સ્મરણ છે.

સવારે ૧૦-૩૦ કલાકે શરુ કરી ભોજન પછી પણ લગભગ ૪ વાગ્યા સુધી ઓશોના રાજકારણ પરના અદ્ભૂત પ્રવચનો ભારતીય બેઠક ગાદલા પર નીચે બેસી બધાએ સાંભળ્યા હતા અને પછી અભિભૂત થઇ, બધી જ કેસેટો પણ બધાં અલગ-અલગ લોકો લઇ ગયા, કે આ તો અદ્ભૂત પ્રવચનો, માર્ગદર્શન છે.

ઓશોના જન્મદિવસ પ્રસંગે આ અદ્ભૂત અવિસ્મરણીય સંસ્મરણો વાગોળતાં ખૂબ આનંદ થાય છે.

ઓશોના ધર્મદુત સ્વામિ આનંદ સ્વભાવજી સાથે મહેસાણા ઓશો ધ્યાન કેન્દ્રમાં શરૂઆતના તબક્કામાં ગાંધીનગરથી સતત મહેસાણા જઈ આશ્રમના વિકાસમાં પણ સહભાગી થવાનો અવસર મળ્યો અને ઓશોના દરબારના રત્નો સમાન સન્યાસીઓ આનંદ સ્વભાવજી, મા ધર્મ જયોતીજી, મા નિલમજી, સ્વામિ બ્રહ્મ વેદાંતજીનો પણ સ્નેહ-પ્રેમ મળ્યો, જે સદગુરૂ કૃપા જ હોઈ શકે. સાથોસાથ ઓશોએ શરીર છોડ્યા પછી પણ પોતાના શિષ્યોનું ધ્યાન રાખવા અશરીર રૂપે ઘણું ઘણું કાર્ય કરતાં હોય છે તેમ ગુજરાતના જ એક સંબુધ્ધ સદગુરૂ સમાન ઓશોના શરૂઆતના સન્યાસી એવા સ્વામિ યોગ તીર્થ ના હાથમાં આ લખનાર શિષ્યનો હાથ આપ્યો હોય તેમ હાલમાં તેમની અદભૂત અનુકંપા અને માર્ગદર્શનમાં શેષ જીવનની સાધના આગળ ધપી રહી છે.(૨૧.૭)

વિનોદ ખન્ના, મા યોગ લક્ષ્મી કચ્છમાં સક્રિય બન્યા હતા

રાજકોટ : કચ્છમાં અતિ ભવ્ય - સર્વોત્તમ ઓશો કમ્યુન બને તે માટે ઓશોના અનુયાયીઓ વિનોદ ખન્ના, માં યોગ લક્ષ્મી વગેરે સક્રિય હતા. માંડવીમાં વિજય વિલાસ પેલેસનો સોદો નક્કી થઇ ગયો હતો. જોકે વિરોધીઓની રેલી - લાઠીચાર્જ અને વિવાદના કારણે આ વાત અટકી ગઇ હતી, જે કચ્છની કમનસીબી હતી.

ગાંધીનગર પાસે ફાર્મ હાઉસમાં કાર્યક્રમ યોજાયો હતો

મોદીજી, કેશુભાઇ, શંકરસિંહજીએ ઓશોનું રાજકીય પ્રવચન માણ્યું

સ્વામી સત્ય દર્શનજીનું યાદગાર સંભારણું : ભાજપના ૨૦ જેટલા ધુરંધરો કાર્યક્રમમાં

આવ્યા હતા

રાજકોટ : એક ખૂબ જ અગત્યનું યાદગાર સંભારણું વર્ણવતા સત્યદર્શનજી કહે છે કે, એક વખત (લગભગ ૧૯૯૩-૯૪ આસપાસ) ગાંધીનગરમાં મંત્રીમંડળના કાર્યાલયમાં કાર્યકાળ દરમિયાન સાંસદ સ્વ.શ્રી અનંતભાઈ દવેના સૂચનથી અમે સાથે મળી અમદાવાદના મોટેરા મધ્યેના એક ફાર્મ હાઉસમાં ઓશોના રાજનીતિ પરના પ્રવચનો સાંભળવાનો કાર્યક્રમ બનાવ્યો અને અંદાજીત ૨૦ જેટલા અગ્રણી રાજકિય લોકો પૈકી ગુજરાત ભા.જ.પ.ની ધરોહરના મુખ્ય સ્થંભ કહી શકાય તેવા શ્રી નરેન્દ્રભાઇ મોદીજી, સ્વ.શ્રી કેશુભાઈ પટેલ, શ્રી કાશીરામ રાણા, શ્રી સુરેશભાઈ મહેતા, શ્રી શંકરસિંહજી વાઘેલા, શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી ફકીરભાઈ વાઘેલા, શ્રી અરવિંદભાઈ પટેલ, ભાજપ કોષાધ્યક્ષ (ઔડાના ચેરમેન) શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, શ્રી જયનારાયણ વ્યાસ વગેરે હોવાનું મને સ્મરણ છે.

સવારે ૧૦-૩૦ કલાકે શરુ કરી ભોજન પછી પણ લગભગ ૪ વાગ્યા સુધી ઓશોના રાજકારણ પરના અદ્ભૂત પ્રવચનો ભારતીય બેઠક ગાદલા પર નીચે બેસી બધાએ સાંભળ્યા હતા અને પછી અભિભૂત થઇ, બધી જ કેસેટો પણ બધાં અલગ-અલગ લોકો લઇ ગયા, કે આ તો અદ્ભૂત પ્રવચનો, માર્ગદર્શન છે.

ઓશોના જન્મદિવસ પ્રસંગે આ અદ્ભૂત અવિસ્મરણીય સંસ્મરણો વાગોળતાં ખૂબ આનંદ થાય છે.

: આલેખન :

સ્વામિ સત્ય દર્શન

(મહેશ બી. ગોસ્વામી)

(સરકારમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ હાલે

શ્રુજન સંસ્થાના અજરખપુર, ભુજ ખાતેના એલ.એલ.ડી.સી. ક્રાફટ મ્યુઝીયમના પી.આર., આઈ.ટી. અને ઇવેન્ટસ વિભાગના વડા છે)

(10:11 am IST)