Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

મોરબીમાં ગેરકાયદે નોનવેજ વેંચતા ૭૦ લોકોને નોટિસ

ખાટકીવાસ અને મચ્છીપીઠમાં પાલિકા, પશુપાલન વિભાગ ફ્રુડ એન્ડ ડ્રગ્સ અને પોલીસની કાર્યવાહી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૩: મોરબીમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાનાને લઈ કેન્દ્ર રાજય સરકાર અને મેનકા ગાંધી સંચાલિત એનજીઓને લેખિત સ્ફોટક રજુઆત થયાને પગલે સફાળા જાગેલા પાલિકા તંત્ર દ્વારા પશુપાલન વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસને સાથે રાખી ચેકીંગ કરાયા બાદ ૭૦ ધંધાર્થીઓને તાકીદે લાયસન્સ લેવા નોટિસ ફટકારવામાં આવી છે.

વર્ષોથી મોરબીના જુના બસસ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠ અને ગેસ્ટ હાઉસ રોડ ઉપર ખાટકીવાસમાં પશુની કતલ કરી માંસ મટનનો ધંધો કરવામાં આવે છે ત્યારે ખુદ પાલિકાના ચીફ ઓફિસર અને તેમની ટીમની સાથોસાથ ફૂડ એન્ડ ડ્રગ્સ, પશુપાલન વિભાગ તેમજ પોલીસે સયુંકત કાર્યવાહી કરી સપાટો બોલાવતા ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

દરમિયાન સંયુકત કાર્યવાહી બાદ જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીપીઠના ૩૮ ધંધાર્થીઓ અને ખાટકી વાસના ૩૨ ધંધાર્થીઓ મળી કુલ ૭૦ ધંધાર્થીઓને તાકીદે લાયસન્સ લેવા નોટિસ ફટકારી છે.એવા સમયે જ પાલિકાએ કડક હાથે કામગીરી શરૂ કરતાં નવાજુનીના સંકેતો મળી રહ્યા છે.

(11:23 am IST)