Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

બાબરામાં હરિઓમ ગૌશાળાના લાભાર્થે : એક મહિના સુધી આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની ૧૧૦ જેટલી ટીમો ભાગ લેશે

બાબરા, તા.૨૩: બાબરામાં જૂની જી ઇ બી ખાતે આવેલ હરિઓમ ગૌશાળામાં બીમાર તેમજ અશકત ગાયો તેમજ અન્ય મુંગા પશુઓની સારવાર અને નિભાવ કરવામાં આવે છે ગામલોકો તેમજ દાતાઓના યોગદાનથીઆ ગૌશાળાનું સંચાલન જીવદયા પરિવારના સભ્યો કરી રહ્યા છે. ત્યારે હરિઓમ ગોશાળાના લાભાર્થે જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના મૌલિકભાઈ તેરૈયા, મહેશભાઈ બસિયા, ઇન્દ્રજીતભાઈ બસિયા, કિશનભાઈ રાઠોડ સહિતના સેવાભાવી યુવા મિત્રો દ્વારા રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન અહીં કમળશી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન તાપડીયા આશ્રમના મહંત શ્રી પૂજય ઘનશ્યામદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે નગરપાલિકાના પ્રમુખ લલિતભાઈ આંબલિયા,પત્રકાર રાજુભાઇ બસિયા,પૂર્વ નાયબ મામલતદાર પી એલ મારૂ,નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ભુપતભાઇ બસિયા,જાણીતા વેપારી અગ્રણી ગાંડુભાઈ રાતડીયા,સહિતના અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક મૌલિકભાઈ તેરૈયાએ જણાવ્યું હતું કે મુંગા પશુઓ ની સારવાર અને નિભાવ કરતી હરિઓમ ગૌશાળાના લાભાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એક મહિના સુધી ચાલનારી આ ક્રિકેટ મેચમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી ૧૧૦ જેટલી ટીમો ભાગ લેશે અહીં દરોજ રાત્રીના બે ટીમ ને ચાર મેચ રમાડવામાં આવશે અને વિજેતા ટીમ ને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ સેમિફાઇનલ અને ફાયનલ મેચમાં મુખ્ય ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે આ સિવાય બેસ્ટ વિકેટ બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડરને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.

બાબરા અમરેલી અને સૌરાષ્ટ્રમાંથી આવતી ટીમના ખેલાડીઓનું પૂરતું ધ્યાન અને સગવડતા આપવામાં આવશે રાત્રી પ્રકાશ ક્રિક્રેટ ટુર્નામેન્ટને નિહાળવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલપ્રેમી લોકોને મૌલિકભાઈ તેરૈયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

(12:51 pm IST)