Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાણવડ પાલીકાની આજની જનરલ બોર્ડ સતાધારી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

બળવાખોર સભ્યો વિપક્ષનાં ટેકે બોડી ઉથલાવવા કટીબધ્ધ ભાજપનાં અડધો-અડધ સભ્યો વિપક્ષનાં ઇશારે ભૂગર્ભમાં

(ડી.કે.પરમાર દ્વારા) ભાણવડ, તા., ૨૪:  શહેરમાં લોક મુખે એક જ ચર્ચા પાલીકામાં શું ચાલી રહયું છે. ભાણવડની જનતા એ તેમનો કિંમતી મત આપી પ્રજાની સેવા માટે તેમના લોક પ્રતિનીધી પસંદ કરેલ. પરંતુ હાલની પરિસ્થિતી જોતા ભાણવડ નગર પાલીકામાં જાણે ખરીદ વેચાણની સીઝન ચાલી રહી હોય તેવો માહોલ ચાલી રહેલ છે.

છેલ્લા ઘણા સમયથી ભાજપનો આંતરીક વિવાદ ચાલી રહયો હોય જેના લીધે લોકહીતનાં કામો ટલ્લે ચડી ગયા છે. છેલ્લા ઘણા સમયથી પાલીકા પર ભાજપનો કબ્જો રહયો છે.

પાલીકામાં અઢી વર્ષની ટર્મ પુરી થયા પછી નવા પ્રમુખ-ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવેલ. આ નિમણુંકથી ભાજપમાં આંતરીક વિવાદ થયો હતો. બળવાખોર સભ્યોના એક પણ સભ્યોને મહત્વનાં હોદામાંથી એક પણ હોદો ન મળતાં છેલ્લી જનરલ બોર્ડમાં ભાજપનાં બળવાખોર સભ્યોએ વિપક્ષના ટેકાથી એક પણ ઠરાવ પસાર થવા ન દઇ ખુલ્લો બળવો કરતા છતાંય મોવડી મંડળ મુક પ્રેક્ષક બની રહેતા આજે પરિસ્થિતી એ આવી ગઇ કે ભાણવડ પાલીકાના ઇતિહાસમાં પ્રથમ વખત બળવાખોર સભ્યોના ટેકાથી કોંગ્રેસ સતા હાંસલ કરે એવી શકયતાઓ વર્તાય રહી છે.

પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ભાજપ દ્વારા શીસ્તની વાતો કરવામાં આવે છે. તો ભાજપનાં બળવાખોર સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃતી કરવા છતાં સસ્પેન્ડ કેમ ન કરવામાં આવ્યા? અને તેની સામે કોઇ પણ પ્રકારનું એકશન કેમ લેવામાં આવ્યું નથી. જે બાબત ખુબ ચર્ચાનો વિષય બની ગઇ છે. આજની જનરલ બોર્ડમાં પાલીકા ખાતે ભુગર્ભમાં ઉતરેલ સભ્યોને ડાયરેકટ લાવવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ વર્તાઇ રહી છે.

(11:37 am IST)