Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબી બાયપાસ ઉપર આડેધડ ભૂગર્ભ ગટરના ખોદકામથી લોકોમાં રોષ.

પૂર્વ પાલિકા પ્રમુખ સહિતના સ્થાનિકોએ ચક્કાજામનો પ્રયાસ કરતા કોન્ટ્રાકટરોએ સીધી રીતે ભૂગર્ભ ગટર નાખવાનું ચાલુ કરતા મામલો થાળે પડ્યો

મોરબી : મોરબી બાયપાસ ઉપર સીધી રીતે ભૂગર્ભ ગટર નાખવાને બદલે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર આડેધડ ખોદકામ કરી નાખતા સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો અને સ્થાનિક લોકોએ આ મામલે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ પૂર્વ પાલિકા પ્રમુખ સહિતના સ્થાનિકોએ ચક્કાજામનો પ્રયાસ કરતા કોન્ટ્રાકટરોએ સીધી રીતે ભૂગર્ભ ગટર નાખવાનું ચાલુ કરતા મામલો થાળે પડ્યો હતો.

મોરબી બાયપાસ પાસે ઓવરબ્રિજ પૂરો થાય ત્યાંજ ભૂગર્ભ ગટરના કામ માટે આડેધડ ખોદકામ કરી નાખતા આસપાસની 10 જેટલી સોસાયટીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટી તેમજ આનંદનગર સોસાયટી વચ્ચે મુખ્ય હાઇવે ઉપર જવા માટે ઓવરબ્રિજ આવેલો છે. આ ઓવરબ્રિજ પૂરો થતાં સર્વિસ રોડ ઉપર ગેરકાયદે દબાણો કરી પોલ ઉભો કરવામાં આવ્યો છે.ત્યારે ભક્તિનગર સર્કલથી ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોય પણ સર્વિસ રોડની બાજુમાં ભૂગર્ભ ગટરનું કામ કરવાનું હોય એના બદલે સર્વિસ રોડ ખોદીને સર્વિસ રોડ ઉપર આડેધડ ભૂગર્ભ ગટર નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સર્વિસ રોડની બાજુમાં રાજકીય ઓથ હેઠળ દબાણો ખડકી દેવતા ત્યાં દબાણો દૂર કરીને ભૂગર્ભ ગટર નાખવાને બદલે ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર ભૂગર્ભ ગટર આડેધડ નાખતા આજુબાજુની 10 સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો.
આજુબાજુની સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ સર્વિસ રોડની બાજુમાં જ્યાં દબાણો હોય તે દબાણો દૂર કરીને ત્યાં ભૂગર્ભ ગટર નાખવાનો નિયમ હોવા છતાં સર્વિસ રોડ ઉપર આડેધડ ભૂગર્ભ ગટર નાખતા ભવિષ્યમાં આ રોડ ખોદાઈ તો ભૂગર્ભ ગટરને પણ નુકસાન થવાની ભીતિ હોવાથી આજુબાજુના લોકોએ પૂર્વ પાલિકા પ્રમુખ દેવભાઈ અવાડિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ચક્કાજામનો પ્રયાસ કરતા ચક્કાજામ કરે તે પૂર્વ કોન્ટ્રાકટર શાન સમજી ગયા હતા અને આજથી નિયમ મુજબ સીધી રીતે ભૂગર્ભ ગટર નાખવાનું કામ શરૂ કરતાં હાલ પૂરતો આ મામલો થાળે પડ્યો છે. સાથેસાથે નિયમ અને ટેન્ડર મુજબ ભૂગર્ભ ગટરનું કામ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર દેખાવો તેમજ આંદોલન કરવાની ચીમકી આપી છે.

 

(9:53 pm IST)