Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

હથિયારબંધી વચ્‍ચે માંડવીના વિરાણી ગામે અને અંજારમાં જાહેરમાં ફાયરીંગ

કાયદો વ્‍યવસ્‍થા સામે પડકાર ફેંકતા બંને બનાવોમાં પોલીસે ગોળીબારના આરોપીઓને ઝડપી લીધા : અંજારમાં કોંગ્રેસના યુવા અગ્રણીએ ફાયરીંગ કર્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : કચ્‍છ જિલ્લા કલેકટર દ્વારા હથિયાર બંધીના કરાયેલ જાહેરનામા વચ્‍ચે સરહદી જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા અંગે પોલીસ સામે પડકાર છે. ગાંધીધામમાં એક કરોડ રૂ.ની લૂંટ વચ્‍ચે અંજાર અને માંડવીના નાની વિરાણી ગામે જાહેરમાં ગોળીબાર કરવાના બનાવોએ ચકચાર સર્જી છે. આ ઉપરાંત પૂર્વ અને પમિ કચ્‍છમાં ચોરીના બનાવો સતત ચાલુ છે. માંડવીના નાની વિરાણી ગામે જીતેન્‍દ્ર નામના વ્‍યક્‍તિને ત્‍યાં મોડી સાંજેનાણાકીય ઉઘરાણી માટે આવેલ શખ્‍સોએ પઠાણી રીતે વર્તન કરતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. એકઠા થયેલ ગ્રામજનોના ટોળાએ પઠાણી ઉઘરાણી કરનાર શખ્‍સોને પૂછપરછ કરતા તેઓ ઉશ્‍કેરાઈ ગયા હતા. ક્રેટા કારમાં આવેલ આ ચારેય શખ્‍સોએ ટોળાને એકઠું થયેલ જોઈ ફાયરિંગ કર્યું હતું અને કાર દોડાવી નાસી છૂટયા હતા.

આ બનાવને પગલે ગામના સરપંચ અને ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં દોડી આવેલ પીઆઈ વસાવાએ તુરત જ એલર્ટ સાથે નાકાબંધી કરવા સંદેશ મોકલતા ચારેય શખ્‍સો મોડી રાત્રે કોડાય પુલ માંડવી પાસેથી ક્રેટા કાર સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. દરમ્‍યાન ગોળીબાર નો બીજો બનાવ પરમદી અંજારમાં બન્‍યો હતો. જેમાં ફરિયાદી સ્‍કૂટર ચાલક હિરેન રાજેશ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની એક્‍ટિવા સ્‍કુટીએ સ્‍વિફટ કારને ઓવરટેક કરતાં કાર ચાલક મહેશ આહિરે ઉશ્‍કેરાઈ તેમની સાથે માથાકૂટ કરી તેમના ઉપર ગોળીબાર કર્યો હતો. રિવોલ્‍વરના બે રાઉન્‍ડ ફાયર કરતાં બચી ગયેલા હિરેન અને તેમના મિત્રોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપી મહેશ આહીરને ઝડપી લીધો હતો. આરોપી મહેશ આહીર કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈનો પ્રમુખ રહી ચૂક્‍યો છે.

(11:15 am IST)