Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમરેલીના વેણીવદરના ખેડૂતોનો વર્ષો જુનો પ્રશ્‍ન ઉકેલાયો : ૫.૬૬ કરોડ વળતર મળશે

ધારાસભ્‍ય કૌશિક વેકરિયાની મહેનત લેખે લાગી

ગાંધીનગર,તા. ૨૪ : અમરેલી તાલુકાના વેણીવદર ગામના ખેડૂતોની જમીન વર્ષો પહેલા વડી સિંચાઇ યોજના અંતર્ગત સંપાદિત થઇ હતી. જેના વળતરનો પ્રશ્‍ન વર્ષો થયા અધ્‍ધરતાલ હતો. આ યોજનામાં ખેડૂતોની સંપાદિત થયેલી જમીનનું યોગ્‍ય વળતર ન મળવાના કારણે ખેડૂતો પરેશાન હતા. ખેડૂતો દ્વારા અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્‍ય દંડક શ્રી કૌશિક વેકરીયા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

ધારાસભ્‍યે સરકારમાં સબળ રજુઆત કરતા હવે ખેડૂતોને વળતર પેટે રૂપિયા ૫ કરોડ ૬૬ લાખ જેવી રકમ મળશે.

વળતરની આ રકમ સરકારના નાણા વિભાગે મંજુરી આપી સિંચાઇ વિભાગને ફાળવી દેતા ટૂંક સમયમાં જ આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ જશે.

સ્‍થાનિક ધારાસભ્‍યની સફળ રજુઆતના પગલે ખેડૂતોને વળતરની આ રકમ ફાળવી આપવા મંજુરી મળી જવાથી ખેડૂતોના ચહેરા ઉપર કાળા ઉનાળે ખુશી વ્‍યાપી ગઇ છે.

(10:02 am IST)