Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબી : કોઝવેમાં ૩૫ બાળકોના જીવ જોખમમાં મુકીને બસ ચલાવનાર શખ્‍સને ૩ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૪ : મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૭માં પડેલા ભારે વરસાદના સમયમાં કુંતાસીથી રાજપર જતા રોડ પર કોઝવેમાં સ્‍કૂલ બસ બેદરકારીથી ચલાવતા સ્‍કૂલ બસ નમી જતા બાળકોનો જીવ જોખમમાં મુકાયો હતો જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા મોરબી કોર્ટે આરોપી બસ ચાલકને દોષિત ઠેરવી સજા ફટકારતો હુકમ કર્યો છે.

જે કેસની વિગતો જોઈએ તો તા. ૨૭-૦૭-૨૦૧૭ ના રોજ મોરબીના પીપળીયા ચાર રસ્‍તા નજીક આવેલી નીલકંઠ સ્‍કૂલની બસ શાળાના બાળકોને લઈને સ્‍કૂલ તરફ જતી હોય ત્‍યારે રાજપર કુંતાસી ગામ નજીકના કોઝવેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બસના ચાલકે બસ ઉતારી બેદરકારી દાખવી હતી જેને પગલે બે કાંઠે વહેતા વહેણમાં બસ તણાવા લાગી હતી. સ્‍કૂલ બસમાં ધોરણ ૫ થી ૧૦ ના ૩૫ બાળકો સવાર હતા. બસ પાણીમાં તણાવા લાગ્‍યા બાદ બસ પલ્‍ટી ગઈ હતી. જોકે ગ્રામજનોએ સમયસર પહોંચી બાળકોને બચાવી લીધા હતા જે બનાવને પગલે બાળકોના જીવને જોખમમાં મુકનાર બસ ચાલકની અટકાયત કરી માળિયા પોલીસ મથકે લઇ જવાયો હતો અને પોલીસે ફરીયાદ નોંધી હતી.

જે અંગેનો કેસ વી.એ. બુદ્ધ બીજા એડીશનલ સેશન્‍સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા મોરબીના મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ કોર્ટમાં ૧૨ મૌખિક પુરાવા અને ૦૬ દસ્‍તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્‍યાને લઈને કોર્ટે આરોપી લાખાભાઈ રામાભાઈ બોરીચા રહે દેવગઢ તા. માળિયા વાળાને કસુરવાન ઠેરવ્‍યા હતા અને આઈપીસી કલમ ૨૭૯ મુજબ ૩ માસની સજા અને રૂ ૧૦૦૦ નો દંડ તેમજ આઈપીસી કલમ ૩૦૮ ના ગુનામાં ૩ વર્ષની સજા અને રૂ ૧૦,૦૦૦ નો દંડ તેમજ એમ.વી. એક્‍ટની કલમ ૧૮૪ મુજબના ગુનામાં ૧ માસની સજા અને રૂ ૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

(10:51 am IST)