Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જુનાગઢમાં ૧૩ વર્ષના માહીર કાદરીની હત્‍યામાં ૩ શકમંદોની અટકાયત

એક યુવતીએ મારા છોકરાને પણ જુગાર રમવા બેસાડી દીધો હતો, રૂપીયાનો ડખ્‍ખો થતા પથ્‍થર મારીને મોતને ઘાટ ઉતાર્યો : ઇકબાલભાઇ કાદરી : જુગારના રૂપીયા બાબતે હત્‍યા થયાની મૃતકના પિતા ઇકબાલભાઇ કાદરીએ શંકા વ્‍યકત કરીઃ ભેદ ઉકેલવા એલસીબીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ : જે.જે.ગઢવી

જુનાગઢઃ તસ્‍વીરમાં મૃતકનો ફાઇલ ફોટો, તેનું સ્‍કુટર તથા મૃતદેહને હોસ્‍પીટલમાં ખસેડાયો તે નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૪:  ગઇકાલે  ઉપરકોટમાંથી કિશોરની લાશ મળવાની ઘટનામાં એલસીબી ૩ શકમંદોને રાઉન્‍ડ અપ કર્યા છે.

જુનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાની સુચનાથી મુજબ એલસીબી પીએસઆઇ જે.જે.ગઢવી અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહયો છે અને આ હત્‍યાનો ભેદ ઉકેલવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.

આ અંગે મળતી માહીતી મુજબ ઉપરકોટ ગેઇટ પાસેથી ૧૦૦ મીટર દુર ખાણમાંથી અવવારૂ જગ્‍યાએથી કિશોરની લાશ મળી આવતા એસપી ડીવાયએસપી સહીતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને ઝીણવટભરી   તપાસ હાથ ધરેલ અને લાશનો કબ્‍જો લઇ પીએમ માટે મોકલવામાં આવેલ અને તપાસ દરમ્‍યાન આ લાશ સોમવારે ગુમ થયેલ કિશોર માહીર ઇકબાલભાઇ કાદરીની હોવાનું જાણવા મળેલ. મૃતકના પિતા ઇકબાલભાઇ એ જણાવ્‍યું હતુ કે સોમવારે સાંજે પ કલાકની આસપાસ માહીર ગુમ થયો હતો. તે વાલીએ સોરઠ શાળામાં ધો. ૮ પાસ કરી ૯ માં ઉર્તિણ થયેલ તેને ફીના રૂા. ૧૪૦૦ આપેલ જે જમાઇને આપવા કહયું જેથી ફી ભરી દયે. માહીર જયુપીટર લઇને ૧૪૦૦ રૂપીયા જમાઇને દેવા ઘરેથી નિકળેલ બાદમાં જમાઇને ફોન કરતા તે ત્‍યાં ન આવ્‍યો હોવાનું જણાતા શોધખોળ શરૂ કરેલ અને એ ડીવીઝન પોલીસને ગુમ થયા અંગે જાણ કરવામાં આવેલ અને ૩૫ થી વધુ લોકો ભવનાથ વિલીગ્‍ડન ડેમ સહીત અનેક સ્‍થળોએ આખી રાત દોડાદોડી અને ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાને જાણ કરવા ગયા હતા. બાદમાં જાણ થઇ કે ઉપરકોટ ઘાસવાડા પાસે ગાડી પડી છે. ત્‍યાર બાદ પોલીસને લઇને તપાસ કરતા અંદરથી ખાણમાંથી લાશ મળી આવેલ અને માહીરના માથામાં ઇજા હતી. કોઇએ પથ્‍થરના ઘા માર્યા હોવાનું પ્રાથમીક અનુમાન થઇ રહયું છે.

 મૃતકના પિતાએ જુગારના  પૈસાના મામલે હત્‍યા થયાની આશંકા વ્‍યકત કરી છે.  અને જણાવેલ કે કેટલાક છોકરાઓ  પાસેથી જાણવા મળેલ કે એક યુવતી છોકરાને જુગાર રમાડે છે. મારા છોકરાને પણ જુગાર રમવા બેસાડી દીધો અને તે પૈસા જીતી જતા ડખો થયો અને તેમાં તેના માથા પર પથ્‍થરમારી હત્‍યા કરાઇ હોવાનું અનુમાન કરેલ. અને પોલીસ સમક્ષ ૪ લોકો સામે શંકા વ્‍યકત કરેલ. અકિલા સાથેની વાતચીતમાં એલસીબી પીએસઆઇ  જે.જે.ગઢવીએ જણાવ્‍યું હતું કે, આ ઘટનામાં ૩ શકમંદોને રાઉન્‍ડ અપ કરી તપાસ હાથ ધરેલ છે અને આ બનાવ  ભેદ ટુંક સમયમાં ઉકેલાઇ જશે તેવો આશાવાદ વ્‍યકત કરેલ છે.

(11:16 am IST)