Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ભારતીય તટરક્ષક દળે દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે વિશેષ સમુદ્રતટીય સ્‍વચ્‍છતા કવાયત યોજી

જામનગર : તટરક્ષક દળ જિલ્લા હેડક્‍વાર્ટર નંબર ૧૫ (ઉત્તર ગુજરાત) દ્વારા ‘સ્‍વચ્‍છ સમુદ્ર, સુરક્ષિત સમુદ્ર'ના સૂત્ર સાથે પૃથ્‍વી વિજ્ઞાન મંત્રાલયના સંકલનમાં દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ ખાતે સમુદ્રતટીય સ્‍વચ્‍છતા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતના આયોજન પાછળ જનભાગીદારી અને સમુદ્રી પ્રદૂષણ નિવારણ તેમજ સ્‍વસ્‍થ મહાસાગરો માટે ટકાઉક્ષમ જીવનશૈલી અપનાવવા અંગે જનજાગૃતિને પ્રોત્‍સાહન આપવાનો હેતુ પણ હતો. ઓખા સ્‍થિત તમામ ફલોટિંગ અને સમુદ્રકાંઠાના એકમોમાં કાર્યરત ભારતીય તટરક્ષક દળના તમામ અધિકારીઓ અને કર્મીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ટાટા કેમિકલ્‍સ પ્રાઇવેટ લિમિટેડ, મીઠાપુર અને મહિલા વિકાસ મંડળ, રાજકોટના પ્રતિનિધિઓ સાથે મળીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અંદાજે ૯૫૦ કિલો કચરો એકત્રિત કરવામાં આવ્‍યો હતો અને ત્‍યારબાદ વધુ નિકાલ માટે દ્વારકાની નગરપાલિકાને સોંપવામાં આવ્‍યો હતો. ICG સ્‍વચ્‍છ ભારત અભિયાન પ્રત્‍યે પ્રતિબદ્ધ છે જેનો ઉદ્દેશ્‍ય સમુદ્ર કિનારાને સુઘડ અને સ્‍વચ્‍છ રાખવા અને સમુદ્રી પર્યાવરણને પ્રદૂષિત ટાળવા માટે સ્‍થાનિક લોકોને શિક્ષિત અને પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ એજન્‍સીઓમાં ૨૫૦ કર્મચારીઓની અસરકારક સહભાગિતા જોવા મળી હતી.

(11:40 am IST)