Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

અમરેલીમાં આજથી પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૪ :.. અમરેલીમાં પણ આજથી બે દિવસ દબાણ હટાવ ઝૂંબેશ માટે પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. અગાઉ લોકોને સ્‍વૈચ્‍છિક દબાણ હટાવી લેવા તાકીદ કર્યા બાદ છેલ્લા બે દિવસ સુધી પોલીસની ફલેગ માર્ચ અને લોકોને સુચનાઓ બાદ અમરેલી ખાતે પાલિકા અને વહીવટી તંત્રની મળેલી બેઠકમાં નકકી થયા મુજબ આજે તા. ર૪ અને રપ નાં રોજ બે દિવસ સુધી સતત દબાણ હટાવ ઝંૂબેશ અમરેલી શહેરમાં શરૂ રહેશે.

દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન નગરપાલિકાનાં ૩પ કર્મચારીઓ, ૬-જીસીબી અને ટ્રેકટરો સાથે સવારે ૯ વાગ્‍યાથી ઝૂંબેશનો  પ્રારંભ કરશે. શહેરનાં જુદા જુદા ૬ વિસ્‍તારોનાં  રૂટો નકકી થયા છે. બાદમાં પોલીસ સાથે સંકલન કરી રૂટ નકકી કર્યા મુજબ ઝૂંબેશ આગળ ધપાવાશે. આ ઝૂંબેશ દરમિયાન ડીવાયએસપી ભંડારીનાં મોનીટરીંગ નીચે અમરેલીમાં બે ડીવાયએસપી, ૬ પીઆઇ, ર૦ પીએસઆઇ, ર૪૦ કો. મળીને પોણા ત્રણસો જેટલા કર્મીઓનો કાફલો બંદોબસ્‍ત જાળવશે. શહેરમાં કોઇ જગ્‍યાએ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતત ખડે પગે અને એલર્ટ બની છે. બીજી તરફ લોકો પણ દબાણ હટાવ ઝૂંબેશમાં સહયોગ આપી રહ્યા છે.

આજે  ચિતલ રોડ, ગાયત્રી મંદિર રોડ, જેલ રોડ, લાઠી રોડ, ફોરવર્ડ સર્કલથી રૂપમ, સોમનાથ મંદિર, પાણી દરવાજા, સાવરકુંડલા ચોકડી, કૈલાશ મુકિતધામ સ્‍મશાન, આઇટીઆઇ, રેલ્‍વે સર્કલ, તાલુકા પોલીસ  સ્‍ટેશનથી રાજકમલ ચોક, નાગનાથ મંદિરથી હઠીલા હનુમાન, બહારપરા ચોક તેમજ બીજા દિવસે તા. રપ નાં જિલ્લા પંચાયત રોડ, એસ. ટી. ડેપો, ભાજપ કાર્યાલયથી સીવીલ હોસ્‍પિટલ વાળો રોડ, રેડ કોર્નર, સીનેમાથી કેરીયા રોડ,  ભીડ ભંજનથી રામોતી ચોક, સરદાર ચોક, ચકકરગઢ રોડ, રાજકમલ ચોક, ટાવર રોડ, બહારપરા ચોકી, ટાવરથી કાશ્‍મરા ચોક, લાઇબ્રેરી, હરિ રોડ, રામજી મંદિર, ઇન્‍દીરા શાક માર્કેટ, દૌલતરાય સ્‍કુલ સહિતના વિસ્‍તારોમાં ડીમોલીશન કાર્યવાહી કરવામાં આવશે.

(2:18 pm IST)