Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરબીમાં અંદાજે રૂ.૯.૫૬ કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપ લાઈનના કામોનું ખાતમુહૂર્ત કરાયું.

૧.૫૦ કરોડના ખર્ચે મોરબીમાં ઇમરજન્સી રેસ્ક્યુ વાહનનું લોકાર્પણ.

મોરબી નગરપાલિકા દ્વારા શહેરની ૧૧૫ વાડી તથા સંલગ્ન સોસાયટીને પીવાનું પાણી પૂરું પાડવા માટે સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પીવાના પાણીની અંદાજે ૯.૫૬ કરોડના ખર્ચે પાઇપલાઇન કામોનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૧.૫ કરોડના ખર્ચે ઇમરજન્સી રેસ્ક્યુ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં વીજળી, શાળાઓ, રસ્તા વગેરે સુવિધા ઉભી કરાઈ છે, અહીં હાલ ૨૨ શાળાઓ કાર્યરત છે. કોન્ટ્રાક્ટરને યોગ્ય સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાની તાકીદ કરતા જણાવ્યું હતું કે, વાડી વિસ્તારના લોકો હેરાન ન થાય તે રીતે કાર્ય પૂર્ણ થવું જોઈએ. પ્રજાના પૈસા ૧૦૦ ટકા વિકાસકાર્યોમાં વાપરવાની નેમ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશ, ગટરનું કામ તેમજ ચોમાસામાં પાણીનો નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થા વગેરે કાર્યો કરવામાં આવનાર છે. આગામી સમયમાં ત્રણ લાખ રોપા વાવવાનું લક્ષ્ય અમે રાખ્યું છે અને જિલ્લાના વિવિધ સ્થળોએ આ રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવશે. વિકાસકાર્યોની સાથે નગરપાલિકાનો ખર્ચ કેવી રીતે ઓછો થાય તે તરફ પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. મોરબી શહેર માટે ટૂંક સમયમાં નગરપાલિકાના કરોડોના ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તે અંગે પ્રજાના પૈસાનો દૂર ઉપયોગ ન થાય તે માટે પણ અમે જવાબદારી ઉઠાવીશું. આ તકે નવા ટાઉન પ્લાનિંગમાં શહેરીજનોને સહકાર આપવા તેમણે અપીલ કરી હતી.
સ્વાગત પ્રવચનમાં નગરપાલિકા વહીવટદારે જણાવ્યું હતું કે, લોકોના રૂપિયા લોકો સુધી પહોંચાડવાના સતત પ્રયત્નો ચાલુ છે. લોકોની સુખાકારી માટે રોડ-રસ્તા, પીવાના પાણી, રાત્રી સફાઈ કાર્યક્રમ, સેનિટેશનના કામોને યોગ્ય સમય મર્યાદામાં નિરાકરણ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જીતું સોમાણી ઉપરાંત નગરપાલિકા વહીવટદાર અને નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી જયુભા જાડેજા, લાખાભાઈ જારીયા, ભાવેશભાઈ કણજારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(10:46 pm IST)