Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

જુનાગઢ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા ૪ દિવસમાં ૧૦૪ કેસ વધ્યા

ચાર જ દિવસમાં ૧૦ વ્યકિતનાં કોરોનાએ પ્રાણ હરી લીધા : કુલ પોઝિટીવ કેસ-૬પ૦ થયા

જુનાગઢ, તા. ર૪ : જુનાગઢ જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ શરૂ થયો છે. છેલ્લા ૪ દિવસમાં ૧૦૪ કેસ વધતા કુલ પોઝિટીવ કેસ ૬પ૦ થઇ ગયા છે અને કુલ મોત ર૩ થવા પામ્યા છે.

જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને જુનાગઢ શહેરી વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને સમગ્ર શહેર કોરોનાની લપેટમાં  આવી ગયું છે. શહેરના તમામ વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કરી લેતા શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ગુરૂવારે જુનાગઢ જિલ્લામાં કોરોનાને વિસ્ફોટ થયો હતો. એક જ દિવસમાં ૪૩ કેસ નોંધાયા હતા. જેમાં જુનાગઢ શહેરમાં ૩૧ પોઝિટીવ કેસ સામે આવ્યા હતા અને વોર્ડ નં. ૬નાં ભાજપના કોર્પોરેટર અને સીંધી સમાજના અગ્રણી રાજુભાઇ નંદવાણીનું કોરોના અને અન્ય બિમારીને લઇ રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાનાં ૧૦૪ કેસ વધ્યા છે અને કુલ કેસ ૬પ૦ થઇ ગયા છે આ ચાર દિવસ દરમ્યાન ૧૦ દર્દીના મોત પણ થતા કુલ મૃત્યુ આંક ર૩ થયો છે.

તા. ર૦ જુલાઇથી તા. ર૩ જુલાઇનાં ચાર દિવસમાં સંક્રમણ સતત વધતાં જુનાગઢ શહેરમાં કુલ પોઝિટીવ કેસ ૩પ૦ થયા છે. ગઇકાલે એક જ દિવસમાં શહેરનાં જુદા વિસ્તારોમાં ૩૧ કેસ નોંધાયા હતા.

જુનાગઢ પછી ૭૩ પોઝીટીવ કેસ સાથે વિસાવદર અગ્રેસર છે.

ગઇકાલે સાંજ સુધીની સ્થિતિ એ જુનાગઢ શહેરમાં કુલ પોઝીટીવ કેસ-૩પ૦, જુનાગઢ ગ્રામ્ય-પ૬, કેશોદ-૪ર, ભેંસાણ-રર, માળીયા હાટીના -૧ર, માણાવદર-ર૩, મેંદરડા-ર૩, માંગરોળ-૯, વંથલી-૪૦ અને વિસાવદર તાલુકામાં કુલ પોઝિટીવ કેસ-૭૩ થતા જિલ્લામાં કુલ કેસ  ૬પ૦ થયા છે. જુનાગઢ શહેર સૌથી વધુ ૩પ૦ પોઝિટીવ કેસ ધરાવે છે અને સૌથી વધુ ૧૦ મોત જુનાગઢમાં જ થયા છે.

આમ જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને શરૂ થયેલ વિસ્ફોટને અટકાવવા માટે તંત્રના પગલાની સાથે લોકો પણ ખુબ જ સાવચેતી રાખે તે આવશ્યક છે.

(11:44 am IST)