Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વાંકાનેરમાં સંતોષની હત્યા કરનાર વઢવાણ પંથકના હારૂનની શોધખોળ

બંન્ને ટ્રક ડ્રાઇવરો વચ્ચે ઝઘડો થયા બાદ માલીકોએ સમાધાન કરાવ્યું પણ બપોરે ફરી ઝઘડો થતા સંતોષની લોથ ઢળી

રાજકોટ, તા. ર૩ : વાંકાનેરમાં ગઇકાલે સરાજાહેર ટ્રક ડ્રાઇવરની હત્યા કરનારા વઢવાણ પંથકના ટ્રક ડ્રાઇવરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરને ચોટીલા હાઇવે ઉપર આવેલ નૂરાની કોમ્પ્લેક્ષ નજીક ગત બપોરે ટ્રક ડ્રાઇવર સંતોષ ઉર્ફે સંજય રતનલાલ (રે. હાલ સુરેન્દ્રનગર મુળ. એમ.પી.) ના માથામાં બીજા ટ્રક ડ્રાઇવર હારૂન ઉર્ફે ચીંગો દિવાને ટોમી ઝીંકી હત્યા કરી નાસી  છુટ્યો હતો.

બનાવની જાણ થતા વાંકાનેરના પીઆઇ રાઠોડ તથા સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતક સંતોષ ઉર્ફે સંજયની લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ટ્રક ડ્રાઇવર સંતોષ ઉર્ફે સંજય અને ટ્રક ડ્રાઇવર હારૂન ઉર્ફે ચીંગો દિવાન વચ્ચે સવારે ઝઘડો થતા બંન્ને વચ્ચે માલીકોએ સમાધાન કરાવ્યું હતું પરંતુ બપોરે ફરી ઝઘડો થતા હારૂન ઉર્ફે ચીંગાએ સંજયનું ઢીમ ઢાળી દીધુ હતું.

હત્યા કરી નાસી છુટેલ હારૂન ઉર્ફે ચીંગો દિવાન રે. ચુડવેલ તા. વઢવાણની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી પકડાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે તેમ તપાસનીશ અધિકારી વાંકાનેરના પીઆઇ રાઠોડે જણાવ્યું હતું. 

(11:50 am IST)