Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોટડા સાંગાણીના સખી મંડળની બહેનોને ઉત્પાદીત વસ્તુના વેંચાણ અર્થે વિનામુલ્યે દુકાન ફાળવાઇ

મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવતી રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી : શાપર વેરાવળ અને ઇશ્વરીયા માધાપર ખાતે ગ્રામહાટ કાર્યરત : મીશન મંગલમ યોજના સાકાર

રાજકોટ તા. ૨૪ : સંવેદનશીલ રાજય સરકારના વિવિધ એકમો અને કર્મચારીઓ કોરોનાની મહામારી વચ્ચે પણ લોકહિતના કામો કરી રાજય સરકારના કોરોના સંક્રમણકાળમાં પણ વિકાસની આગેકુચને પ્રોત્સાહક બળ પુરૂ પાડી રહ્યા છે. જેમાનું એક એકમ એટલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી.

મહિલાને આર્થિક રીતે પગભર બનાવવા તથા મહિલા સશકિતકરણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મીશન મંગલમ યોજના પરીણામલક્ષી અને સફળ પુરવાર થઇ છે.  આ યોજના સાથે જોડાયેલી જિલ્લાની સખી મંડળની બહેનોને વિવિધ ગૃહ ઉદ્યોગો ચલાવવા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. જે અન્યવે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કોરોનાની મહામારીના સમયમાં પરિવારને આર્થિક હાડમારીથી બચવવા માટે કોટડા સાંગાણી તાલુકાની સખી મંડળની બહેનો માટે અભિનવ કાર્ય કરવામાં આવ્યું છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિકાસની ગ્રાન્ટમાંથી કોટડા સાંગાણીના શાપર ખાતે ગ્રામહાટ યોજના અંતર્ગત ૭ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દુકાનો થકી સખી મંડળની બહેનો જાતે ઉત્પાદન કરેલી વસ્તુઓનો નાનો-મોટો વેપાર કરીને આજીવિકા મેળવી શકે અને તેઓને પ્રોત્સાહન મળે તેવા હેતુસર કોઈપણ પ્રકારનું ભાડુ લીધા વગર ૭ બહેનોને દુકાન નિશ્ચિત સમય માટે આપવામાં આવી છે.આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા લાઇવલીહુડ મેનેજર વિરેન્દ્ર બસીયાએ જણાાવ્યું હતું કે મીશન મંગલ  યોજના હેઠળ કાર્યરત મહિલાઓને સ્વઉત્પાદિત તથા અન્ય ચિજવસ્તુઓના વેંચાણ માટે એક નિશ્ચિત સ્થળ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર દ્વારા ગ્રામહાટ યોજના અમલી છે.

રાજકોટમાં કોટડાસાંગાણી ઉપરાંત ઇશ્વરીયા-માધાપર ખાતે પણ ગ્રામહાટ બનાવાઇ છે. આ ગ્રામહાટમાં આવેલી દુકાનોમાં વેંચાણ વ્યવસ્થા મેળવવા ઇચ્છતી વિવિધ સખીમંડળો પાસે તાલુકા કક્ષાએ અરજીઓ મંગાવી દર ત્રણ માસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષની ઉપસ્થતીમાં સમિતી દ્વારા આવેલી અરજીઓ પૈકી પસંદગી કરેલ અરજદારોને આ દુકાનો વપરાશ માટે વિનામૂલ્યે અપાય છે. આમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મીશન મંગલમ યોજના અન્વયે મહિલાઓે પગભર કરવા સર્વાંગી મદદરૂપ થાય છે.

આ સંદર્ભે તાલુકા લાઈવલીહુડ મેનેજરશ્રી રાધાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન તળે મહિલાને આર્થિક રીતે સશકત બનાવવા જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત થયેલું ગ્રામહાટ આજે સખી મંડળની બહેનો માટે આજીવિકા મેળવવાનું માઘ્યમ બન્યું છે. જેનો લાભ લઈને બહેનો પગભર થઈને પરિવારને પણ મદદરૂપ થઈ શકે છે. હાલ કોટડા સાંગાણી તાલુકાના ૪૨ ગામોમાં ૧૭૧ જેટલા સખીમંડળો કાર્યરત છે. અત્રે નોંધનીય છે કે, કોરોનાના કપરા કાળમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ લીધેલ આ સંવેદનશીલ નિર્ણય મહિલાઓ માટે આશાના કિરણ સમાન છે. સરકારી એકમોના દ્રષ્ટિવંત આયોજન અને યોગ્ય નિર્ણયને કારણે જ છેવાડાના માનવી સુધી આજે વિકાસનો દિશાદર્શક પ્રકાશ પહોંચી રહ્યો છે.

(11:51 am IST)