Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પોરબંદરની સરકારી હોસ્‍પિટલમાંથી અપાયેલ ઓકસીજનના અધુરા બાટલાથી દર્દીનું મૃત્‍યુ

વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા દર્દીએ રસ્‍તામાં દમ તોડી દીધો

પોરબંદર તા.ર૪ : ભાવસિંહજી હોસ્‍પિટલની બેદરકારથી ઓકસીજનના અભાવે રાજકોટ વધુ સારવાર માટે લઇ જવાતા દર્દીએ રસ્‍તામાં દમ તોડી દીધો હતો. મોઢવાડા ગામના વૃધ્‍ધ્ને રાજકોટ સિફટ કરાતા હતા ત્‍યારે ઓકસીનનો અધૂરો બાટલો હોવાથી રસ્‍તામાં મૃત્‍યુ થતા કોંગ્રેસ દ્વારા આક્રોશ સાથે ઉચ્‍ચકક્ષાએ થઇ રજુઆત કરીને આવા વારંવાર બની રહેલા બનાવો સામે રાજયનું આરોગ્‍ય વિભાગ કાર્યવાહી કરવા માગણી કરી છે.

મોઢવાડા ગામે કાન્‍તિગીરી ગોસ્‍વામી નામના ૭૦ વર્ષિય વૃધ્‍ધને બિમારી સબબ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા અને ત્‍યાં તેમની પરિસ્‍થિતિ વધુ ગંભીર બનતા ઓકસીજનના બાટલા સાથે તેમને સારવાર માટે રાજકોટ લઇ જવાતા હતા પરંતુ ઉપલેટા પાસે ઓકસીજનનો બાટલો ખલાસ થઇ ગયોહ તો. કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાને જાણ કરવામાં આવતા તેમણે ધારાસભ્‍ય લલિતભાઇ વસોયાને જાણ કરી હતી અને ધોરાજી ખાતે વ્‍યવસ્‍થા કરી આપવામાં આવી હતી. પરંતુ કાન્‍તિગીરી ત્‍યાં પહોંચે તે પહેલાંજ તેમનું કરૂણ મોત નીપજયુ હતું. મોઢવાડાના લીરબાઇ માતાજીના મંદિરના પુજારીના ભાઇ એવા કાન્‍તિગીરી ગોસ્‍વામીનું તંત્રની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આક્ષેપ કરીને રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલનું રેઢિયાળ તંત્ર બેદરકારી કરી રહ્યું છે દોઢમાસ પહેલા પણ એક દર્દીને આ રીતે વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા રસ્‍તામાં જ ઓકસીજનનો બાટલો ખલાસ થઇ ગયો હતો.

કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયાએ રાજયના આરોગ્‍ય વિભાગને કરેલી ફરીયાદમાં જણાવ્‍યું છે કે સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં રાષ્‍ટ્રીય સંત પુજય ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા હજારો લીટરનો ઓકસીજનનો ટેન્‍ક અપાયો છે. એટલું જ નહીં પરંતુ ઓકસીજનના બાટલા પાછળ તોતીંગ ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં ઓકસીજનના અભાવે જો દર્દીઓ મૃત્‍યુ પામતા હોય તો તેના માટે જવાબદાર કોણ ? તેવો સવાલ ઉઠાવીને કડક હાથે પગલા લેવા જોઇએ તેવી માંગ કરી હતી.

(1:53 pm IST)