Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ગિરનાર રોપ-વેને સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ : દિવાળીના ધસારાને પહોંચી વળવા બ્રાન્ડવે કેબિન

ગત બે વર્ષમાં ૧૩ લાખથી વધુ પ્રવાસીઓએ સફર કરી

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૪ : દેશમાં પેસેન્જર રોપવે ક્ષેત્રે પાયોનિયર ઉષા બ્રેકો કંપની સંચાલિત જૂનાગઢના ગિરનાર રોપવેને આજે સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ થયેલ છે. આ અવસરની આજે પ્રકાશ પર્વ દિપાવલી નિમિતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

ઉષા બ્રેકોનાં આસી. વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિપક કપલીશે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢમાં ગુજરાત સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે ગિરનાર રોપ-વેનું ખાતમુહુર્ત કર્યું હતું પરંતુ જરૂરી કલીયરન્સ નહિ આવતા પ્રોજેકટ અટવાયેલો પડયો હતો.

જોકે વડાપ્રધાન બનતા જ નરેન્દ્રભાઇ મોદીએ ગિરનાર રોપ-વે કાર્યરત થાય તે માટે પ્રયાસો હાથ ધરી રાજ્ય સરકારના સંકલનમાં આ પ્રોજેકટ પુર્ણ થતાં શ્રી મોદીના હસ્તે ૨૪ ઓકટોબર ૨૦૨૦ના રોજ તે સમયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો તેમજ સંતો વગેરેની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ પ્રવાસીઓએ રોપવેની સફર કરી ગિરનાર અંબાજી માતાજીના દર્શન કર્યા છે. ૨૦ વર્ષ અગાઉ વીસેક લાખ લોકો જૂનાગઢની મુલાકાતે આવતા હતા.

હવે ગિરનાર રોપ-વેના પરિણામે ૫૦ થી ૬૦ લાખ પ્રવાસીઓ જૂનાગઢના તીર્થ દર્શનાર્થે અને પર્યટક તરીકે આવે છે.

શ્રી દિપક કપલીશે વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી તહેવારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા નવી બ્રાન્ડવે ૬ કેબિનનો ઉમેરો કરીને સિસ્ટમમાં કેબિનની કુલ સંખ્યા ૩૧ કરી છે. જેના પરિણામે રોપવેની ક્ષમતા દર કલાકે ૮૦૦થી વધીને ૧૦૦૦ થઇ છે.

વધારેલી ૨૫ ટકા ક્ષમતાના કારણે દિવાળીના તહેવારમાં પ્રતિક્ષાનો સમય ઓછો થશે તેમજ રોપ-વેના અપર સ્ટેશનની નજીક બેઠક ક્ષમતામાં વધારો કરાયો હોવાથી પ્રવાસીઓ વ્યંુઇગ પોઇન્ટથી આસપાસના કુદરતી સૌંદર્યની મજા સરળતાથી માણી શકશે.

શ્રી કપલીશે વધુમાં જણાવેલ કે, ગયા વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ૧૫ દિવસમાં ૯૦ હજાર લોકોએ ગિરનાર રોપવેનો લાભ લીધો હતો. આ વર્ષે રોપ-વેનો ઉપયોગ કરનાર પ્રવાસીઓની સંખ્યાનો આંક એક લાખને વટાવી જાય તેવી શકયતા છે.

ઉષા બ્રેકોએ ખાસ દિવાળીના તહેવાર માટે શ્રધ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ તેમની ટિકીટ કયુઆર કોડ સ્કેન કરીને અથવા રૂરૂરૂ.્યર્ફુીઁત્ત્ત્ર્ર્ીદ્દંર્શ્રી.ણૂંૃ ઉપર ઓનલાઇન બુક કરાવી શકે છે.

તેમજ ભવનાથ ખાતે પાર્કિંગ પાસે બુકીંગ કાઉન્ટર શરૂ કરવામાં આવેલ છે જ્યાં પ્રવાસીઓ ઉપલબ્ધ ટાઇમ ફલોટસ મુજબ ટિકીટ બુક કરાવી શકશે.

(2:08 pm IST)