Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ વૃદ્ધાશ્રમ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરી

--પરંપરાને બહુમાન આપી ટ્રસ્ટીશ્રીઓ અને વડીલોના પુત્ર તરીકે અમે ઉત્સાહભેર દિપાવલીના પર્વની ઉજવણી કરવા આ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા છીએ: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: દર વર્ષની પરંપરાને આ વર્ષે પણ ચાલુ રાખતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આંબાવાડી વૃદ્ધાશ્રમ ખાતે દિપાવલીના પાવન અવસરે આશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.મંત્રીએ વડીલઓનું મોં મીઠું કરી આશીર્વાદ મેળવીને આવનારા નૂતન વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી. શ્રીમતી ગુલાબબેન હરીભાઇ શાહ વૃદ્ધ નિકેતનનાં ૨૫૦ જેટલા વડીલોને મંત્રિના હસ્તે મીઠાઇ સહિત વસ્તુઓની કિટ અર્પણ કરવામાં આવી હતી.  
આ તકે મંત્રીએ જણાવતા કહ્યું હતું કે, લોકપ્રતિનિધિ બન્યા અગાઉથી આ વૃદ્ધાશ્રમમાં દિપાવલીની ઉજવણી કરવાનો નિયમ તેમણે જાળવી રાખ્યો છે. ૫૨ વર્ષ જૂનું આ ટ્રસ્ટ અનેક વડીલઓનો વડલા સમાન આધાર તથા ઘર છે. આ પર્વે વડીલોની નાની મોટી આવશ્યક્તાને સંતુષ્ટ કરવાની પુણ્યતા પ્રાપ્ત કરીને મને આનંદ થાય છે. આ પ્રસંગે વડીલોએ મંત્રીની ઓવારણાં લઈને આશીર્વાદ પાઠવ્યા હતા.  
આ સાથે દેશની સરહદે રહીને માતૃભૂમિની સુરક્ષા માટે રાત દિન જાગતા, પોતાના જીવની પરવા કર્યા વિના દેશવાસીઓની સલામતી માટે ખડે પગે રહેનાર એવાં નિર્ભય જવાનોના પરિવાર અને તેમના સભ્યો વચ્ચે પણ શિક્ષણમંત્રીશ્રીએ મીઠાઇ વિતરણ કરી તેમજ વીડિયો કોલિંગના મધ્યમથી આ પર્વનાં આનંદને જવાનોના પરિવારો સાથે સહભાગી થઈને વહેંચ્યો હતો.      
આ પ્રસંગે શિક્ષણમંત્રી સહિત ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી નિલાબેન ઓઝા ઉપપ્રમુખ  સુનિલભાઈ વડોદરીયા, મંત્રી દેવેનભાઇ શૅઠ તથા ટ્રસ્ટી ભરતભાઇ શાહ, કિર્તિભાઈ સગાપરા અને શ્રીમતી લતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.   

(6:33 pm IST)