Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મોરબીઃ કાગળ ઉપર વેકસીન મામલે તપાસના આદેશ

રસી મુકાવ્યા વગર સર્ટિફિકેટ ઇશ્યૂ થવાની વધુ એક ઘટના

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૫: મોરબીમાં વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા મામલે કાગળ ઉપર વેકસીનેશન ચાલતું હોવાની અનેક ઘટના સામે આવી છે. જેમાં બીજો ડોઝ ન લીધો હોવા છતાં વેકસીનેશન લઈ લીધાનું સર્ટિફિકેટ આવી જતું હોવાની વધુ એક દ્યટના સામે આવી છે અને વેકસીન લેવા માટે એક પરિણીતા સબ સેન્ટરે ગયા તો ત્યાં તાળું જોવા મળ્યું હતું. વેકસીન ન થયું હોવા છતાં તેના મોબાઈલમાં વેકસીન લઈ લીધાનું સર્ટિફિકેટ આવી ગયું હતું. કાગળ ઉપર કોરોના વેકસીન મામલે ડેપ્યુટી કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

મોરબીમાં વેકસીન ન લીધી હોવા છતાં વેકસીન લઈ લીધાનું લોકોના મોબાઈલમાં સર્ટિફિકેટ આવી જતું હોવાના બનાવો સતત વધી રહ્યા છે. આ રીતે છેલ્લા પાંચ દીવસથી ૫૦ થી વધુ લોકોને કાગળ ઉપર વેકસીન આપી દેવાયું છે. જયારે કલેકટર દ્વારા વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને કામગીરી સોંપવામાં આવી છે. જેનું મોનીટરીંગ ડે. કલેકટર કરી રહ્યા છે. ત્યારે આ ટાર્ગેટ પૂરો કરવા માટે કાગળ ઉપર જ વેકસીનેશનનું કૌભાંડ જબરું ગાજયું છે અને વધુ એકને વગર વેકસીને સર્ટિફિકેટ ધાબડી દેવાયું છે.

મોરબીના પંચોટીયા ભાવનાબેન મોહિતભાઈને વેકેશન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને હજુ તો વેકસીન લેવા જાય એ પહેલાં જ તેમના મોબાઈલમાં સર્ટિફિકેટ આવી ગયું હતું. બાદમાં પીપળી ગામના આરોગ્ય સબ સેન્ટરમાં વેકસીન લેવા ગયા તો ત્યાં તાળું જોવા મળ્યું આથી તેઓએ ફોનમાં સંપર્ક કરતા આરોગ્ય સેન્ટરના કર્મચારીએ રંગપર આવી જાવ ત્યાં વેકસીન મુકાવી દેશું. આથી તેઓએ આ મામલે ડે. કલેકટરને રજુઆત કરી હતી. આથી ડે. કલેકટર ડી.એ.ઝાલાએ જણાવ્યું હતું કે, આ ગંભીર મામલે ફરી ભુલ ન થાય તે માટે તકેદારી રાખવા તમામ કર્મચારીઓને સુચના આપી દેવામાં આવી છે અને યોગ્ય તપાસ કરવામાં આવશે.

(10:21 am IST)