Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ઉનામાં ૪.૩૫ લાખની લૂંટમાં ઝડપાયેલો આરોપી રીઢો ગુન્‍હેગાર : વધુ ૩ શકમંદોની પૂછપરછ

લૂંટનો આરોપી રઘુ સામે અગાઉ લૂંટ અને હુમલાના ગુન્‍હા નોંધાયેલ : પોલીસે લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૨૫ : વેપારી પાસેથી ૪.૩૫ લાખ રોકડ ભરેલા થેલાની લૂંટના બનાવનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને રીઢો ગુન્‍હેગાર રઘુ રવિભાઇ બાંભણિયાને પોલીસે પકડી લીધો છે. રઘુ સામે અગાઉ પણ લૂંટ અને ગંભીર હુમલાના ગુન્‍હા નોંધાયેલ છે. આ લૂંટમાં અન્‍ય ૩ શકમંદોની પોલીસ પૂછપરછ કરી રહેલ છે.

મૂળ ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામના હાલ ઉના પટેલ સોસાયટીમાં રહેતા મનોજભાઇ રમણીકભાઇ તૈલી તેના પિતરાઇ ભાઇ જયસુખભાઇની સાથે પવનપુત્ર એન્‍ટરપ્રાઇઝ નામની જણસીની લે-વેચનો વેપાર કરે છે. બે દિવસ પહેલા ઉનામ)ં આવેલ ગીરગઢડા રોડ ઉપર એકસીસ બેંકના ખાતામાંથી રોકડા રૂા. ૬ લાખ ઉપાડેલ અને જયસુખભાઇએ ૯૫૬૦૦ રાખી બાકીના રોકડા રૂપિયા ખેડૂતોને આપવા મનોજભાઇને આપેલ હતા.

મનોજભાઇ ઉનાથી ગીરગઢડા રોડ ઉપર દ્રોણ ગામે તેમના બાઇક ઉપર જતા હતા ત્‍યારે ન્‍યારા પેટ્રોલ પંપ આગળ એક સફેદ સ્‍કુટર ઉપર ૪ અજાણ્‍યા શખ્‍સો આવી મનોજભાઇનાં ચાલુ બાઇક સાથે પાટુ મારી પછાડી દેતા ચશ્‍માના કાચ તૂટી ગયા હતા. ધુંધળુ દેખાતુ હોય એક શખ્‍સે મોટરસાયકલ હેન્‍ડલ ઉપર રાખેલ થેલો રોકડા રૂપિયા ૪ લાખ ૩૫ હજાર ભરેલ લુંટી નાસી ગયા હતા. મનોજભાઇને હાથમાં ઇજા થતાં ઉના દવાખાને સારવાર માટે દાખલ કરેલ અને અજાણ્‍યા ચાર શખ્‍સો સામે ઉનામાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

આ લૂંટની ઉના પોલીસને જાણ થતાં ઉનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર નીલેશભાઇ કે. ગોસ્‍વામી, જાડેજા તથા સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયેલ. જીલ્લાની એસ.ઓ.જી., ક્રાઇમ બ્રાંચ પણ આવી સંયુકત તપાસ કરી આ વિસ્‍તારની જીનીંગ મીલો, પેટ્રોલ પંપના સીસીટીવી કબ્‍જે કરી ચાર અજાણ્‍યા શખ્‍સો સ્‍કુટર ઉપર જતા જોવા મળતા ઓળખ થતાં ઉના પોલીસે ઉનાનો રીઢો ગુનેગાર અગાઉ લૂંટ, ગંભીર હુમલાનો આરોપી રઘુ રવિભાઇ બાંભણીયા રે. ઉનાવાળાને દબોચી લઇ આગળ પૂછપરછ કરતા લૂંટનો મુદ્દામાલ રોકડા રૂપિયા ૪ લાખ ૩૫ હજાર પણ કાઢી આપતા કબ્‍જે કરેલ છે.

અન્‍ય ૩ આરોપીમાં બે સગીર વયના હોવાનું ખૂલ્‍યું છે. ૪થા આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમા કર્યા છે.  ઉના પોલીસની જાગૃતતાથી લુંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી સફળતા મેળવી હતી.(૨૧.૩)

 

(10:50 am IST)