Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પોરબંદર જિલ્લામાં ૧૫ દિ'થી વધતા વાહન અકસ્‍માતોઃ ટ્રાફીક નિયમ પાલન કરાવવા માંગણી

પોરબંદર,તા. ૨૫:  શહેરમાં અને જિલ્લામાં વાહન અકસ્‍માતના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં અનેક માનવ જિંદગીઓ મોતને ભેટી રહી છે ત્‍યારે અકસ્‍માતના વધતા બનાવોમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટ્રાફીક નિયમનમાં બેદરકારી સાબિત થઈ રહી છે તે સામે હેલ્‍થ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

હેલ્‍થ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ તંત્રને રજૂઆતમાં જણાવ્‍યું છે કે પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાહન અકસ્‍માતના બનાવો વધ્‍યા છે અને હિટ એન્‍ડ રન જેવા કિસ્‍સાઓ સર્જાયા છે જેમાં વાહન અકસ્‍માત સર્જનાર ચાલકો બેફામ સ્‍પીડે અને ઘણી વખત નશાની હાલતમાં અકસ્‍માતે નિર્દોષ માનવ જિંદગીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. તેમ છતાં ટ્રાફિક પોલીસનું તંત્ર તેમની સામે કડક કાર્યવાહી કરી શકતું નથી.

રજૂઆતમાં જણાવ્‍યું છે કે પોરબંદર શહેરમાં ખાનગી ટ્રાવેલ્‍સ બસોને અવરજવર ઉપર મનાઇ છે પરંતુ માતેલા સાંઢની જેમ ૧૨ થી ૧૮ વ્‍હીલ વાળા ટ્રકો અવારનવાર મુખ્‍ય રસ્‍તાઓ ઉપર દોડી રહ્યા છે નરસંગ ટેકરીથી વીર ભનુંની ખાંભી સુધી અનેક ટ્રક બેફામ દોડી રહ્યા છે અને તેના દ્વારા સર્જાયેલા અકસ્‍માતમાં અત્‍યાર સુધીમાં અનેક માનવ જિંદગીઓ મોતને ભેટી ચૂકી છે. કમલા બાગ પાસે એમ.ઇ એમ. સ્‍કૂલ આવેલી છે અને છાયા ચોકી વાળા રસ્‍તા પર સિગ્‍મા સ્‍કૂલ અને ટ્‍યુશન ક્‍લાસ તેમજ રહેણાક વિસ્‍તાર આવેલો હોવા છતાં ફુલ સ્‍પીડે ટ્રક આવે છે અને લોકો સાથે અકસ્‍માત સર્જી રહ્યા છે. તેમ છતાં તેને અટકાવનાર કોઈ નથી. નિયમ વિરૂધ્‍ધ હેલોઝન લાઇટથી સામેની વ્‍યકિત રાત્રે અંજાય જાય છે.

(1:33 pm IST)