Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ધુનડાના સંત પૂ. જેન્તિરામબાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇને દેશ વિદેશમાં શ્રધ્ધાંજલી અપાઇ

પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝ, ઇન્દ્રભારતી બાપુ, મુકતાનંદબાપુ, ભીખુદાન ગઢવી, રામભાઇ મોકરીયા સહિતનાએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : જામજોધપુર નજીક આવેલ ઘુનડાના સંતપુરણ ધામ આશ્રમના સંત પૂ. જેન્તિરામબાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શીલુ તા. ૨૦ના રોજ અવસાન પામતા સમગ્ર સમાજમાં અને સંત પરિવારના ગુરૂભકતોમાં શોક છવાયો છે.

ધુનડા સંતપુરણધામ આશ્રમના સત્સંગપ્રવાહથી માંડી તમામ પ્રકારની જવાબદારી સંભાળતા ભાવેશભાઇ અત્યંત સરળ અને હસમુખ સ્વભાવના હતા. તેઓ કોઇ પણ વ્યકિતને એક વખત સંપર્કમાં આવે તો પણ તેમને ભૂલી ન શકે તેવુ પ્રેમાળ વ્યકિતત્વ હતુ અને આશ્રમે આવનાર પ્રત્યેક લોકોને આદર સાથે આવકારતા અને નાતજાતના ભેદભાવ વગર ચા-પાણી નાસ્તાથી લઇ ભોજન પ્રસાદ ઉતારાની વ્યવસ્થા કરી આપતા.

દેશવિદેશમાં ધર્મનો પ્રચાર પ્રસાર કરી સત્સંગની આહલેક જગવનાર પૂ.જેન્તિરામબાપાના પુત્ર એવા ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી આપવા સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઇ અને દેશવિદેશમાં સત્સંગસભાના માધ્યમથી ભાવેશભાઇને સાધુસંતો રાજકિય સામાજીક આગેવાનો,પત્રકાર જગતમાંથી શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે.

જેમાં અકિલા પરિવારના મોભિ અને પૂ. જેન્તિરામબાપા સાથે આત્મીયતાથી જોડાયેલ શ્રી કિરીટભાઇ ગણાત્રા કે જેઓ પૂ.બાપાના આખા પરિવારથી પરિચિત છે. શ્રી કિરીટભાઇ ઘુનડાની મુલાકાતે આવે ત્યારે શાસ્ત્રી ભાવેશભાઇ પૂ. કિરીટભાઇ ગણાત્રાનું સાધુસંતોની જેમ શાસ્ત્રોકતવિધી શ્લોકનું ગાન કરી કુમકુમ ચોખાનું તિલક કરી ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કરતા અને આખા પરિવારને શ્રી કિરીટભાઇ પ્રત્યે અપાર લાગણી પ્રેમ આજની તારીખે ધરાવે છે. આ ઘટના ઘટી જતા શ્રી કિરીટભાઇએ પૂ.જેન્તિરામ બાપાને સાત્વાના આપી હતી અને આ આઘાત સહન કરવાની ભગવાન આપને શકિત આપે અને ભાવેશભાઇના આત્માને શાંતિ અને ગુરૂચરણમાં સ્થાન આપે તેવી ભાવાંજલી આપેલ. તેમજ લેસ્ટર યુ.કે.માં ગુરૂભકત પ્રભુદાસભાઇ સુચક પ્રેમભાઇ પરમાર તેમજ સુરત દેવલાલી લાલપુર સહીત સૌરાષ્ટ્ર ગુજરાત, મુંબઇ અને દેશ વિદેશમાં ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

પોરબંદરથી પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તોરણીયાના પૂ. રાજેન્દ્રદાસબાપુ લંડનથી પૂ.રાજરાજેશ્વર ગુરૂજી ચાંપરડાથી મૂકતાનંદબાપુ અને પૂ. ઇન્દ્રભારતી બાપુ રાજકોટના રામારમણ સ્વામી વિવેક સાગર સ્વામી સતાધારથી ગોવિંદબાપુ પૂ. રાજભારતીબાપુ જેે.કે.સ્વામી સતાપરના અમરા આતા તેમજ નિજસ્વરૂપાનંદ સરસ્વતીજી મહાદેવબાપુ તાજપુરા અને મહામંડલેશ્વર અલખગીરીજી મહારાજ સહીતના સંતો મહંતો તેમજ  રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરીયા પૂર્વ કેબીનેટમંત્રી ચીમનભાઇ સાપરીયા, ધારાસભ્ય ચિરાગ કાલરીયા હરદાસભાઇ ખવા, નાથાભાઇ ગાગલીયા અને કલાકાર જગતમાંથી પદ્મશ્રી ભુખદાન ગઢવી, દેવરાજ ગઢવી (ઉપલેટા), રાજભા ગઢવી, હરેશદાન ગઢવી, હેમંત ચૌહાણ, પરસોતમપુરી હરસુખગીરી પ્રફુલ્લ દવે, જીતુદાદ સવદાસભાઇ ગાગલીયા વિજયરાવલ સહીતનાએ શ્રધ્ધાંજલી આપી હતી.

(11:46 am IST)