Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સુરેન્દ્રનગરના પત્રકારોમાં ભારે રોષ સર્જાયો

ચેરમેનોના પદગ્રહણ સમયે મિડીયા કર્મી સાથે જાહેરમાં અભદ્ર ભાષામાં ગેરવર્તન?

(ફારૂખ ચૌહાણ દ્વારા) ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર સંયુકત નગરપાલિકાના ચેરમેનોના પદગ્રહણ દરમિયાન કોઇ બાબતે સુરેન્દ્રનગરના સાંસદ અને પત્રકારો વચ્ચે ચકમક સર્જાયાની અને અભદ્ર ભાષા વપરાયાની ચર્ચા સાથે પત્રકારોમાં ભારે ચર્ચા હોવાનું જાણવા મળે છે. ભાજપ મહાનુભાવ દ્વારા જાહેરમાં મિડીયા કર્મી સાથે અભદ્ર ભાષા વપરાતા રોષ જોવા મળી રહ્યો છે. ચોકકસ સમાચારો કેમ લખે છે ? તે બાબતે બેફામ અપશબ્દો બોલાયાની પણ ભારે ચર્ચા વચ્ચે મોટો રોષ જોવા મળી રહ્યો છે.

પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન એક ખાનગી ચેનલના પત્રકાર અને એક સવારના અખબારના પત્રકાર ઉપસ્થિત જોઇ ભાજપના અગ્રણી ખુબ જ ગુસ્સે થઇ ગયાની પણ ચર્ચા છે. અભદ્ર વર્તન અને અભદ્ર ભાષાનો જાહેરમાં ઉપયોગ થતા ભારે રોષ સાથે કાયદેસર પોલીસ કાર્યવાહીની પણ માંગ ઉઠી હતી તેવી વાત બહાર આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ, ભાજપના મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સુધી ફેક્ષ દ્વારા આ રજુઆતો થઇ હતી તેમ જાણવા મળે છે.

ભાજપના જિલ્લા પ્રમુખ જગદીશભાઇ મકવાણાને પણ આ રજુઆત થતા ૪ પત્રકારોને કોઇ વ્યાજબી પ્રતિભાવ નહિ મળ્યાનો કચવાટ જોવા મળે છે. પત્રકારનેે પોતાની રીતે કાર્યવાહી કરવા જણાવી દેવાયાનું પણ બહાર આવ્યું છે. 

(11:47 am IST)