Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

જસદણમાં ડહોળું પાણી ગંદકી સહિતના પાલિકાના વિવિધ પ્રશ્ને કોંગ્રેસનું આવેદન

 (ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૨૫ : જસદણ નગરપાલિકા દ્વારા શહેરમાં ગંદુ પાણી વિતરણ સાફ-સફાઈનો અભાવ સહિતના પ્રશ્ને નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સભ્ય હરેશભાઈ ભીમભાઈ ધાધલ, બસીરભાઈ પરમાર, આરતીબેન ગીતેશભાઈ અંબાણી, શહેનાઝબેન પરમાર,  પ્રવીણભાઈ પરમાર કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ મયાત્રા સહિતના લોકોએ ડેપ્યુટી કલેકટર અને જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર ને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જસદણના તમામ એક થી સાત વોર્ડમાં છેલ્લા પંદર દિવસથી અનિયમિત પાણી વિતરણ થાય છે. પાણી વિતરણનો સમય પણ નક્કી નથી. ઉપરાંત અનેક વિસ્તારોમાં ગંદા પાણીનું વિતરણ થાય છે. જસદણ શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઇ કરવામાં આવતી નથી. દુર્ગંધ વાળું પાણી વિતરણ થવાથી જસદણના લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઇ રહી છે. અનેક વિસ્તારોમાં ગટરો ઊભરાય છે ઉપરાંત કચરાના ઢગલા પડયા હોવાથી વધારે ગંદકી ફેલાય છે અને રોગચાળા નો ભય રહે છે. નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી શુદ્ધ પાણી વિતરણ થતું નથી. ખુદ જસદણ નગરપાલિકાની કચેરી જ્યાં કાર્યરત છે તેના કેમ્પસમાં પણ અનેક જગ્યાએ કચરાના ઢગલા પડ્યા છે. નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવા તથા શહેરના તમામ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવાની  માગણી કોંગ્રેસના વિવિધ સભ્યોએ કરી છે.

(11:56 am IST)