Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાંકાનેરમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલ એસ.ટી કર્મચારીઓને શ્રધ્ધાંજલી અર્પણ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.રપ : વાંકાનેર એસટી ડેપો ખાતે રાજકોટ વિભાગીય સંકલન સમિતીની બેઠક એસટી ક્રેડીટ સોસાયટીના પ્રમુખ જયુભા જાડેજાના નેતૃત્વમાં મળેલ જેમાં પ્રથમ જીએસઆરટીસીના ૧૬ વિભાગના એસટીના જૂદા જૂદા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માંથી ૧૧૫ જેટલા કર્મચારીઓ કોરોનાકાળમાં ચાલુ ફરજે મૃત્યુ પામ્યા છે તે તમામને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ.

આ શ્રધ્ધાંજલી સભા પ્રસંગે જયુભા જાડેજાએ જણાવેલ કે જીએસઆરટીસીના ૧૬ વિભાગના એસટીના કર્મચારીઓ આવી ભયંકર કોરોના મહામારીમાં પોતાના પરિવાર કે પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર પોતાની ફરજ નિષ્ઠાપુર્વક બજાવી રહ્યા છે. કોરોના મહામારીમાં બે હજાર જેટલા કર્મચારીઓ કોરોનાથી સંક્રમીત થયા છે જેમાંથી ૭૯૫ કર્મચારીઓ આજે પણ સારવાર હેઠળ છે અને ૧૧૫ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ત્યારે મૃત્યુ પામેલ કર્મચારીઓને શ્રધ્ધાંજલી અને સારવાર લઇ રહેલ કર્મચારીઓ તરત સાજા થાય તંદુરસ્ત જીવન જીવે તેવી પ્રાર્થના કરેલ સાથે એસટીના કર્મચારીઓને આવી મહામારીમાં પણ ફરજ બજાવી મુસાફરોની સેવા કરે છે ત્યારે આ કર્મચારીઓને પણ કોરોના વોરીયર્સમાં ફર્સ્ટ લાઇનના કર્મચારી ગણી તેમને પણ સરકારી લાભ આપવા જયુભા જાડેજાએ માંગણી કરી છે.

(12:02 pm IST)