Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પોરબંદરના ખાપટ અને ધરમપુર એરીયા ભૂગર્ભ ગટર યોજનામાં ર૬ કરોડની ગેરરીતિ ?

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયા દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજુઆત કરીને ફરી ટેન્ડર બહાર પાડવા માંગણી કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રપ : પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાએ અમૃતમ યોજના હેઠળ બહાર પાડેલા ટેન્ડર મુજબ ખાપટ અને ધરમપુર એરિયા ભૂગર્ભ ગટર યોજનામાં ર૬ કરોડનો  ભ્રષ્ટાચારનું કોંગ્રેસ અગ્રણી  રામદેવભાઇ મોઢવાડિયાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજુઆત કરીને તપાસ કરીને નવેસરથી ટેન્ડર બહાર પાડવા માંગણી કરી છે.

કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ રજુઆતમાં જણાવેલ કે પોરબંદર છાંયા સંયુકત નગરપાલીકા દ્વારા ખાપટ અને ધરમપુર એરીયા માટે સેવરેજ નેટવર્ક માટેનું ટેન્ડરનું આઇ.-૪૪૭પ૮૬ બહાર પાડવામાં આવ્યું હતું. અને તેની ટેન્ડર એમાઉન્ટ ૩૮૦૪૮ર૭૬૭.૦૦ હતી. આ ટેન્ડર સબમીટ કરવાની તા. ૦૪-૩-ર૦૦૧ હતી. આ કામના નાણા ગુજરાત સરકારના ''અમૃતમ'' યોજના અંગર્તત પોરબંદર છાંયા સંયુકત નગરપાલીકાના ફાળવ્યા હતા. આ યોજના પ૦% કેન્દ્રના નાણાં હોય છે. અને ૪૦% રાજય સરકારના નાણાં ફાળવેલા છે. અને ૧૦% ફૂડ નગરપાલીકાએ સ્વભંડોળમાંથી ફાળવવાના હોય છે.

આ કામ માટે પ ઠેકેદારોના ટેન્ડર આવ્યા હતા. જેમાંથી પોરબંદર નગરપાલીકાએ તેના ગોઠવણ કરેલ કોન્ટ્રાકટરને ટેન્ડર ખોલતી વખતે હાજર રાખીને નગરપાલીકાના અધિકારીઓ અને પદાધીકારીઓની હાજરીમાં ખોલવામાં આવ્યા હતા. જેમાં હિત ધરાવતા અને રીંગ કરેલ લોકો દ્વારા ગોઠવણ  તત્વોએ સિલબંધ કવરમાં ટેન્ડર આપવાને બદલે સિલ વગરના કવરમાં ટેન્ડર આપેલ હતું.

નગરપાલીકાએ ખોલેલા ટેન્ડરની વિગતમાં (૧) જલારામ પ્રોજેકટસ-પ૦,ર૬,૮૮,૯૮૪.ર૦ (ર) વિષ્ણુ પ્રકાશ આર. પુંગલીયા -૪૯,૬૪,૮૮.૪૬ર.૦પ (૩) યશ કન્ટ્રકશન-૪૮,૭૮,પર,૦૭૬ .ર૩ દર્શાવેલ છે.

ત્રણેય એજન્સીએ એકબીજા સાથે સંકલન કરીને ભાવો ભરેલ છે.

શેડયુલ-બી ની કેટલી બધી આઈટમોના રેટ દરેક એજન્સીના લગભગ સરખા છે. વધારે તફાવત રાખેલ નથી. (જેની શીટ અલગથી સામેલ છે.) આ કામની લોએસ્ટ પાર્ટી પ્રોજેકટસના ભાવ ટેન્ડર એમાઉન્ટ કરતાં ૨૮ ટકા ઉંચુ છે. જેમાં નગરપાલિકાએ પણ સ્વભંડોળમાંથી ૪ કરોડ ૮૭ લાખ રૂપિયા જેટલી રકમ સ્વભંડોળમાંથી ભરવાની થશે. હકીકતમાં નગરપાલિકા પણ આટલા ભંડોળ આપવા સક્ષમ નથી. આખા ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં સેવરેજ નેટવર્કના ટેન્ડર ૨૫ થી ૩૦ ટકા ડાઉન આવે છે. આ ટેન્ડર મંજુર કરવામાં આવશે તો પ્રજાના કરવેરાના લગભગ ૨૬ કરોડ રૂપિયા નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાકટરના ખીસ્સામાં જશે તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરેલ રજૂઆતમાં જણાવેલ છે.

(1:08 pm IST)