Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજુલા પંથકમાં ભૂખ્યા અસરગ્રસ્તો માટે પોલીસ તંત્ર બન્યુ અન્નપૂર્ણાઃ તમામને ભોજન પહોંચાડ્યુ

ગાંધીનગર: પોલીસ લાકડી પછાડતી હોવાનું કે પછી દાદાગીરી કરી નાહકના હેરાન પરેશાન કરતી હોવાની છાપ પ્રજાના માનસપટ પર છવાયેલી છે. તેનાથી તદ્દન વિરોધાભાસી ચિત્ર અમરેલીના રાજુલામાં જોવા મળ્યું છે. અહીયાની પોલીસ લાકડીઓ મારવાના બદલે લોકોની જઠરાગ્નિ ઠારવાનું સદકાર્ય કરીને માનવતાની મિશાલ પુરી પાડી છે.

તાજેતરમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. વિસ્તારના અસરગ્રસ્તોની ઘર વખરી પલળી જતા, ઝુંપડાઓને, કાચામકાનો પડી જવાના કારણે ભોજનની સમસ્યા ઉભી થઇ હતી. આવી પરિસ્થિતિમાં રાજુલા પોલીસ દ્વારા અસરગ્રસ્તોને ભોજન પહોંચાડવાનો અનોખો સેવાયજ્ઞ આરંભી દેવામાં આવ્યો છે.

રાજુલા પોલીસ ઇન્સ્પેકટર ઝાલા જણાવે છે કે તૌકતે વાવાઝોડાને લીધે સમગ્ર રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે નુકસાન થયું છે. લોકો ઘર વિહોણા બન્યા છે. આ ઉપરાંત વીજપુરવઠો ખોરવાય જતા ઘરઘંટી જેવી અતિ આવશ્યક જેવી સેવાઓ ઠપ્પ થઇ હતી. આવી પરિસ્થિતિમાં લોકોને ભોજનની સમસ્યા ઉદભવતા અમે તાત્કાલિક ઘરે ઘરે ભોજન પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક, રીક્ષા, ટેમ્પો જેવા વાહનોમાં ભોજન લઇ રાજુલા શહેરી વિસ્તારમાં વિતરણ કર્યું હતું.

(5:40 pm IST)