Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલાઓ પગભર થાય તે માટે કટિબધ્ધ છે : જગદીશ વિશ્વકર્મા

DAY- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત ભુજ ખાતે સ્વ:સહાય જૂથના લાભાર્થીઓને રાજયમંત્રીએ ચેક, કીટ, પ્રમાણપત્રનું વિતરણ કરાયું, સખીમંડળની મહિલાઓને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવા અનુરોધ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ :   કેન્દ્ર તથા રાજય સરકારે મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી શકે તથા પગભર બને તે માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે. જેના પરીપાક સ્વરૂપે વગર વ્યાજે મહિલાઓ લોન મેળવીને પોતાનો વ્યવસાય કરી રહી છે જે ખરેખર ગર્વની બાબત છે. એક સમયે મહિલાઓ ઘરની બહાર નીકળવામાં સો વાર વિચાર કરતી હતી તે જ ગ્રામ્ય મહિલાઓ સખીમંડળ બનાવીને તેના મારફતે અલાયદો વેપાર શરૂ કરી અન્ય રાજયોમાં પોતાનો વેપાર કરી રહી છે. ઉપરાંત ત્યાંના વેપાર મેળામાં જઇને વાર્ષિક લાખોનું ટર્નઓવર કરી રહી છે જે વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રીની વિવિધ યોજનાઓને આભારી છે તેવું ભુજ પોલીટેકનીક કોલેજ ખાતે DAY-NRLM  યોજના અંતર્ગત સ્વ: સહાય જૂથો માટે યોજાયેલા કેશ ક્રેટીટ, રીવોલ્વિંગ ફંડ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ વિતરણ કાર્યક્રમમાં સહકાર, કુટીર ઉદ્યોગ રાજયમંત્રી શ્રી જગદીશભાઇ  વિશ્વકર્માએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજયમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કોલેજના સભાખંડમાં હાજર મહિલાઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. સામુહિક ઉદબોધનના સ્થાને મંત્રીશ્રીએ નવતર પહેલ કરતા મહિલાઓ વચ્ચે જઇને વ્યકિતગત રીતે વાતાર્લાપ કરતા મહિલાઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. સભાખંડમાં જિલ્લાભરમાંથી વિવિધ સખીમંડળોની ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોડાઇ હતી. સરકારશ્રી દ્વારા દિનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અન્વયે સખીમંડળોને કેશ ક્રેડીટ, રીવોલ્વીંગ ફંડ તથા કમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અપાઇ રહ્યું છે ત્યારે તેનો લાભ મેળવ્યા બાદ બહેનો શું વ્યવસાય કરી રહી છે, કેટલી આવક મેળવી રહી છે, ઉપરાંત વધારાની આવકથી તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે તે સહિતની વિગતો મેળવીને મહિલાઓને સરકારશ્રીની આરોગ્ય અંગેની આયુષ્યમાન કાર્ડ યોજના, વિધવા સહાય, વૃધ્ધ પેંશન યોજના , પશુઉછેર સહીતની યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બહેનોએ પણ મુકતમને રાજયમંત્રીશ્રી સાથે સંવાદની આપ-લે કરીને વેપારના અનુભવ,  તેના થકી વધેલા આત્મવિશ્વાસ ઉપરાંત યોજનાના વિવિધ લાભોની જાણકારી વર્ણવીને અન્ય બહેનોને માહિતી આપી હતી. અન્ય રાજયોમાં જઇને ગ્રામ્ય બહેનો કઇ રીતે પોતાનો વેપાર કરી રહી છે તે અંગે જાણીને મંત્રીશ્રીએ મહિલાઓને બિરદાવીને વધુમાં વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપી હતી. આગામી રક્ષાબંધનમાં કચ્છના સખીમંડળો બહેનો માટે ભાઇની ભુમિકા ભજવતા વડાપ્રધાનશ્રીને શુભાશીષ રૂપે રાખડી મોકલે તેવો અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજયમંત્રીશ્રીના હસ્તે સ્વસહાય જુથોના લાભાર્થીઓને પ્રતીકરૂપે ચેક- પ્રમાણપત્રનું વિતરણ કરાયું હતું જે અંતર્ગત તેરા ગામની તેરા ગ્રામ્ય સખી સંઘને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ રૂ.૧૭,૫૦,૦૦૦નો ચેક, કનૈયાબે ગામના સહારા સખી મંડળને રૂ.૩૦,૦૦૦, સાપેડાના જય ખોડીયાર સખી મંડળને કેશ ક્રેડીટ લોન પેટે રૂ.૪,૦૦,૦૦૦ , ખાવડાના નીમુબેન આહીરને આર્ટીઝન કાર્ડ વિતરણ, માધાપરના દર્શનાબેન વેષ્ણવને ભરતગુંથણની કામગીરી માટે લીધેલી લોન પર ૪૦ ટકા સબસીડી પેટે રૂ.૧,૨૫,૦૦૦ની સહાય અપાઇ હતી. ઉપરાંત પ્રોફેશનલ રિસોર્સ પર્સન તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારા મોટી ભુજપુરના ગીતાબેન પટેલનું ખાસ સન્માન કરાયું હતું .આ સાથે બીસી સખી તરીકે જોડાનારા લાખાપરના રસીલાબેન સુથારને નિમણુંક પત્ર અને કીટનું વિતરણ કરાયું હતું. આ તકે કોટડાના બેંક સખી ભુમિકાબેન છાભૈયાએ પોતાના પ્રતિભાવ રજુ કરીને કઇ રીતે બેંક સખી બહેનો અને બેંક વચ્ચે કડીરૂપ કામગીરી કરી રહી છે તેની છણાવટ કરી હતી.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડીઆરડીએના ડાયરેકટર શ્રી આસ્થા બેન સોલંકીએ કર્યું હતું. જયારે આભારવિધી જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી ભાવીનભાઇ સંઘાણીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ ગઢવી, એપીએમસી ચેરમેન શ્રી કેશુભાઇ પટેલ, ડો.હિતેશભાઇ ચૌધરી, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં સ્વ સહાય જુથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

(11:21 am IST)