Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગારીયાધારના ઠાસામાં ૩ ઇંચ :જામનગર પંથકમાં મકાનોનાં પતરા ઉડયા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિકના બદલે એકલ-દોકલ જગ્‍યાએ મેઘમહેર : ધુપ-છાંવ યથાવત

પ્રથમ, બીજી અને ત્રીજી તસ્‍વીરમાં જામનગર જીલ્લામાં મકાનોના પતરા ઉડયા તે નજરે પડે છે ચોથી અને પાંચમી તસ્‍વીરમાં ગારીયાધાર પંથકમાં વરસાદી પાણી, છઠ્ઠી તસ્‍વીરમાં ગોંડલમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-કિંજલ કારસરીયા(જામનગર), ચિરાગ ચાવડા (ગારીયાધાર), ભાવેશ ભોજાણી -ગોંડલ)
રાજકોટ,તા. ૨૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે કોઇ જગ્‍યાએ ભારે તો કોઇ જગ્‍યાએ હળવો  વરસાદ વરસી જાય છે.
ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના ઠાંસા ગામમાં દે ધનાધન ૩ ઇંચ વરસાદ પડયો હતો.
જ્‍યારે જામનગરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ સાથે પવન ફૂંકાતા મકાનોના પતરા ઉડયા હતા.
ગારીયાધાર
(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર : ગારીયાધાર પંથકમાં એકાએક આવી પડેલા  વરસાદમાં ગારીયાધારના ઠાંસા મુકામે વાડી વિસ્‍તાર અને સીમાં સુપડાથી ધારે એક કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ એકાએક વરસી પડતા ઠાંસા ગામમાં પાણી ઘૂસ્‍યા હતા. વાડી વિસ્‍તારમાં પાણીની આવક ભારે જોરમાં હોવાથી મોટા દીના વહેણની માફક ખાસા ગામમાં દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા.
ઘણકૂવા પ્‍લોટ વિસ્‍તારમાં વિજળી પડતા હોવાનો વિડીયો સોશ્‍યલ મીડીયામાં ફરતો થયો હતો. પરંતુ વિજળી પડી હોવાનું કયાંય જણાયુ નથી. જ્‍યારે અહિંના વિસ્‍તારોમાં ઇલેકટ્રીક ઉપકરણો બળી જવાથી વિજળી અસર જોવામાં આવી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્‍ય પંથકના શુક્રવારે બપોર બાદ પવન સાથે ભારે વરસાદને પગલે મતવા, બજરંગપુર, વરણા સહિતના ગામોમાં કાચા-પાકા બાંધકામમાં ભારે નુકસાની થઇ હતી. જોરદાર પવનથી વાડી વિસ્‍તારમાં મજુરના ઘરોના પતરા ઉડી ગયા હતા અને કેટલાક ઘરો પણ ક્ષતિગ્રસ્‍ત થયા હતા.
જામનગર જીલ્લામાં ઝાપટાથી સવા ઇંચ વરસાદ પડયો છે. જેમાં કાલાવડમાં સવા ઇંચ, જામજોધપુરમાં એક, લાલપુરમાં ઝાપટા વરસ્‍યા હતા. મહતમ તાપમાન ૩૯.૫ ડિગ્રી, લઘુતમ ૨૯.૮ ડિગ્રી. ભેજ ૮૩ ટકા અને પવનની ઝડપ ૧૦.૬ પ્રતિ કલાક રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગારીયાધારમાં વરસાદ પડયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર ગારીયાધારમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડયો છે. જ્‍યારે જિલ્લાના અન્‍ય તાલુકાઓમાં અને ભાવનગર શહેરમાં વરસાદ પડયો નથી. ભાવનગર શહેરનું મહતમ તાપમાન ૩૬.૧ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયુ હતું ત્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની ઝડપ ૨૨ કિ.મી. /પ્રતિ કલાકની રહેવા પામી હતી.

 

(12:13 pm IST)