Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ધ્રોલની જી.એમ.પટેલ કન્યા છાત્રાલયમાં ૩૦૦ વિદ્યાર્થીનીઓને ઢોકળીનું શાક આરોગવાથી ફૂડ પોઇઝનિંગ થયાનું તારણ

હાલ તમામ ભય મુક્ત : જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સર્વે

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫, 

જામનગર જિલ્લાના ધ્રોલ મા આવેલી જી.એમ.પટેલ કન્યા છાત્રાલયમાં ગઈકાલે બપોરે ભોજન કર્યા પછી ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી, જે પૈકીના ૧૦૦ વિદ્યાર્થીનીઓને ધ્રોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જ્યારે ૨૦૦ વિદ્યાર્થીનીઓને કન્યા છાત્રાલયમાં જ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. હાલ તમામ ભય મુક્ત છે, અને આજે રાબેતા મુજબ છાત્રાલયમાં શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે. ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની એક ટીમ ને કન્યા છાત્રાલયમાં તૈનાતમાં રાખવામાં આવી છે.

 ધ્રોલ નજીક આવેલી જી.એમ.પટેલ કન્યા છાત્રાલય કે જેમાં ૧,૬૦૦ વિદ્યાર્થીની અભ્યાસ કરે છે. જેમાં ગઈકાલે બપોરે ઢોકળી નું શાક- રોટલી -દાળ -ભાત સહિતનું ભોજન આરોગ્યા પછી એકી સાથે ત્રણસો વિદ્યાર્થીનીઓને ઉલટી થવા લાગી હતી, અને પેટમાં દુખાવો શરૂ થયો હતો. જેની જાણકારી મળતાં કન્યા છાત્રાલય તેમજ આરોગ્યતંત્રમાં દોડધામ થઇ હતી, અને ૧૦૦ વિદ્યાર્થીનીઓને ધ્રોળના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. 

જેમાં ૩૪ વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવી હતી, અને બાટલા વગેરે ચડાવીને સારવાર અપાઈ હતી. ઉપરાંત ૬૭ વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર આપી ને રજા આપી દેવાઈ હતી.

 જામનગર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ ની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ. આર. રાઠોડ ની દેખરેખ મુજબ તબીબોની ટુકડી તાત્કાલિક અસરથી કન્યા છાત્રાલયમાં પહોંચી ગઈ હતી, જ્યાં ૨૦૦ જેટલી વિદ્યાર્થિનીઓની તબીબી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૫૦ વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારે ૫૦ વિદ્યાર્થીનીઓને કન્યા છાત્રાલયમાં જ બાટલા વગેરે ચડાવીને સારવાર અપાઈ હતી. જો કે આજે સવાર સુધીમાં તમામ વિદ્યાર્થીનીઓને ભયમુક્ત જાહેર કરી દેવામાં આવી છે.

 આરોગ્યતંત્રની તપાસણી દરમિયાન ઢોકળીનું શાક આરોગવામાં ફૂડ પોઇઝનિંગ થયું હોવાનું તારણ મળ્યું છે. આજે કન્યા છાત્રાલયમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે, જ્યારે એક તબીબની ટુકડીને છાત્રાલયમાં તૈનાતમાં રાખવામાં આવી છે.

 
(12:36 pm IST)