Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જુગારની મોસમ ખીલી : ગોંડલ અને ત્રાકુડા ગામે જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમી પકડાયા

પકડાયેલ તમામ જુગારીયાઓ સામે કોરોના વાયરસના જાહેરનામા ભંગનો ગુન્હો પણ નોંધાયો

રાજકોટ, તા. રપ : શ્રાવણ માસ શરૂ થતાં જ જુગારના હાટડા ચાલુ થઇ ગયા હોય તેમ ગોંડલ અને ત્રાકુડામાં પોલીસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા ૧૪ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતાં. પ્રથમ દરોડામાં ગોંડલમાં દાસીજીવણ પાર્ટી પ્લોટ સામે શિવનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલના પી.આઇ. એચ.જી. પલ્લાચાર્યના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.પી. ઝાલા તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા નિકુંજ સુરેશભાઇ ચનીયારા, રમેશ ભીખાભાઇ રૈયાણી, ધીરૂ મોહનભાઇ રૈયાણી, અર્જુન રમેશભાઇ રૈયાણી, રજનીકાંત દેવજીભાઇ હડીયા તથા નૈમીષ ધીરૂભાઇ રૈયાણી રે. તમામ શિવનગર અને રાહુલ પ્રાગજીભાઇ લાંભીયા રે. રામપુર તા. વડીયાને રોકડ રૂપિયા ર૪૯૦૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ગોંડલના ત્રાકુડા ગામે સહકારી મંડળી વાળી મેઇન બજારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકાના પી.એસ.આઇ. રીઝવીના માર્ગદર્શન હેઠળ પો.કો. રવિરાજસિંહ વાળા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા જગદીશ ગાંગજીભાઇ સાગઠીયા, રવજી બિજલભાઇ બોરીચા, ઉતમ રમેશભાઇ રાઠોડ, પ્રવિણ અમરાભાઇ જેપાડ, વિનોદ ગોવિંદભાઇ સાગઠીયા, રાજેશ કરમશીભાઇ મકવાણા તથા દિલીપ પોલાભાઇ દવેરા રે. તમામ ત્રાકુડાને રોકડા ૧૩૭પ૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતાં.પકડાયેલ તમામ જુગારીયાઓ સામે જુગાર ધારા ઉપરાંત કોરોના વાયરસ સંદર્ભેના જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરાયો હતો.

(11:49 am IST)