Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સસ્તા સુકા મેવા અને ટાયરના નામે ૫ અમદાવાદી સાથે છેતરપીંડી : ભુજના બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બેઉ જણને દબોચી લીધા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૫:  ફેસબૂક મારફતે ભુજમાં બેઠાં બેઠાં સસ્તા સોનાના નામે દેશભરના લોકોને લલચાવીને લાખ્ખોમાં નવડાવતી ગેંગના કારનામા વચ્ચે હવે સસ્તા સૂકા મેવા અને ટાયરના નામે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ભુજના બે શખ્શોએ અમદાવાદના દ્યોડાસરની મહિલાની છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બેઉ જણને દબોચી લીધા છે.

આ અંગે મળતી વિગત મુજબ ભુજના પ્રભુનગર પાસે માલધારી વાસમાં રહેતા પ્રતાપસિંહ કરસનજી જાડેજા (ઉ.વ. ૩૪) ( રહે. મૂળ નલિયા, અબડાસા) અને એરપોર્ટ રોડ પર ગાંધીનગરીમાં રહેતા હાજી અલી મહંમદ જુમાભાઈ પીંજારા (ઉ.વ.૩૬ ) ( રહે. મૂળ. ધાણીથર, રાપર)ની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બેઉ શખ્સોએ ફેસબૂક પર સસ્તા ભાવે ડ્રાય ફ્રૂટના વેચાણની એડવર્ટાઈઝ મૂકી હતી. તેને જોઈ અમદાવાદના દ્યોડાસરમાં રહેતી નમ્રતા દર્શનભાઈ પટેલ નામની મહિલાએ પૃચ્છા કરતાં આરોપીએ તેને મુંદરા પોર્ટ પર કસ્ટમના સાહેબો જોડે સાંઠગાંઠ હોવાનું જણાવી સસ્તા ભાવે ડ્રાય ફ્રૂટ મળતાં હોવાનું કહ્યું હતું. નમ્રતાએ ડ્રાય ફ્રૂટના બીઝનેસમાં રસ દર્શાવી ૫૦ કિલો કાજુ અને ૧૦ કિલો બદામનો ઓર્ડર આપ્યો હતો. આરોપીઓએ અડધા નાણાં એડવાન્સમાં અને બાકીના નાણાં માલની ડિલિવરી મળે ત્યારે આપવા જણાવી નમ્રતા પાસેથી ગૂગલ પે મારફતે ૧૨ હજાર ૮૫૦ રૂપિયા મેળવી લીધા હતા. પરંતુ, નમ્રતાને માલની ડિલિવરી ના થતાં તેમને છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો

. બનાવ અંગે નમ્રતાએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફેસબૂક એકાઉન્ટ, આરોપીના મોબાઈલ નંબરના આધારે બેઉ આરોપીનું પગેરું દબાવી ભુજ આવી તેમને દબોચી લીધાં છે. પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછતાછમાં બહાર આવ્યું છે કે સસ્તા ડ્રાય ફ્રૂટની જાળમાં આ બેલડીએ અમદાવાદના અન્ય ચાર લોકો જોડે પણ છેતરપિંડી કરેલી છે. બેઉ જણે સસ્તા ટાયરના નામે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લોકોને ઠગવા એક એડવર્ટાઈઝ ફેસબૂક પર પોસ્ટ કરી હતી. પોલીસની સદ્યન તપાસમાં આ બેલડીના વધુ કારનામા ખુલવાની શકયતા છે.

(11:29 am IST)